Mumbai,તા.૧૪
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપ ત્યાં પ્રવેશ્યા છે. બીજી તરફ સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ અનોખી સદી ફટકારી છે. કોહલીએ આ સદી બેટથી નહીં પરંતુ મેચ રમવાના સંદર્ભમાં ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની ૧૦૦મી મેચ છે.
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ૧૦૦ કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ૧૧૦ મેચ રમી હતી. ૯૧ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા નંબર પર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમનાર ભારતીય ખેલાડીઓઃ
સચિન તેંડુલકર- ૧૧૦ મેચ
વિરાટ કોહલી- ૧૦૦ મેચ
મહેન્દ્ર સિંહ ધોની- ૯૧ મેચ
રોહિત શર્મા- ૮૨ મેચ
રવિન્દ્ર જાડેજા- ૭૩ મેચ
ઓસ્ટ્રેલિયા સામે ૫૦૦૦થી વધુ રન બનાવ્યા છે
ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પણ ભારત માટે બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં ૫૩૨૬ રન બનાવ્યા છે જેમાં ૧૭ સદી સામેલ છે. સચિન તેંડુલકર નંબર વન પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૭૦૭ રન બનાવ્યા છે જેમાં ૨૦ સદી સામેલ છે.તે ગાબા મેદાન પર રમાઈ રહી છે. ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો માટે ઘણી મહત્વની છે. હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી બરાબર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ ૨૯૫ રને જીતી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કર્યું અને બીજી મેચ ૧૦ વિકેટે જીતી લીધી. હવે જે પણ ટીમ ટેસ્ટ મેચ જીતશે તે ૨-૧ની લીડ મેળવશે.