Maharashtra,
મહારાષ્ટ્રમાં મોગલ શાસક ઔરંગઝેબની કબર અંગે સર્જાયેલા વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને ગઈકાલે રાજયના એક પાટનગર તથા આરએસએસના વડામથક સહિતના મહત્વના નકશા પર રહેલા નાગપુરમાં આ કબર મુદે હિંસા ફેલાયા બાદ આગજની-તોડફોડ તથા પત્થરમારા સહિતની ઘટનાઓ બની હતી અને નાગપુરના લગભગ 20 પોલીસ થાણા ક્ષેત્રોમાં કર્ફયુનો અમલ લાદી દેવાયો છે.
આ ઘટનામાં એક સમુદાયનું પવિત્ર પુસ્તક સળગાવાયુ છે તેવી અફવા સોશ્યલ મીડીયા મારફત ફેલાઈ હતી અને એક વિશાળ ટોળુ રોડ પર આવી ગયુ હતુ તથા વાહનોમાં તોડફોડ આગજની અને દુકાનો બંધ કરાવીને આતંકનું વાતાવરણ સર્જાઈ ગયુ હતુ. અહી ચાર ગાડીઓને આગ ચાંપવામાં આવી હતી.
આ ઘટનાનો જવાબ આપવા બીજા સમુહના લોકો પણ માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તુર્તજ પોલીસ, રેપીડ એકશન સહિતના દળોને માર્ગ પર ઉતારી પરીસ્થિતિ કાબુમાં લેવા પ્રયાસો કરાયા હતા. નાગપુરમાં ભડકેલી હિંસાના ખબર આસપાસમાં ફેલાવા લાગ્યા હતા. પોલીસે તોફાનીઓને અંકુશમાં લેવા અશ્રુવાયુ, લાઠીચાર્જ તથા અન્ય બળપ્રયોગ કર્યા હતા.
આ બાદ મહાવ, હંસપુરી સહિતના ક્ષેત્રોમાં પણ હીંસા ભડકી ઉઠી હતી અને પુરી રાત્રીના આગજની તથા તોડફોડની ઘટનાઓ બનતી હતી. ટોળાઓ માર્ગ અને આસપાસના ક્ષેત્રોમાં ફરતા રહ્યા હતા. માર્ગો પર પાર્ક થયેલા વાહનોમાં તોડફોડ કરતા અને આગ લગાડતા નજરે ચડતા હતા.
મોટાભાગના તોફાનીઓએ મોઢા પર સ્કાફ પહેરીને રાખ્યા હતા અને ધારદાર હથિયાર તથા લાકડી, બોટલો પણ હતી. મધરાત બાદ નાગપુરમાં કર્ફયુ લાદી દેવાતા શાંતિના અહેવાલ છે અને હવે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ધરપકડનો દૌર શરુ કર્યો છે તથા મુંબઈ સહિત પુરા મહારાષ્ટ્રમાં એલર્ટ જારી કરાયુ છે.
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરના મુદે સર્જાયેલા તનાવમાં હિંસા વચ્ચે હવે છત્રપતિ શિવાજી જીલ્લામાં પણ તનાવની સ્થિતિ છે. અહીજ ઔરંગઝેબની કબર આવેલ છે અને દુર મોગલ શાસક ઔરંગઝેબની કબરનું અસ્તિત્વ છત્રપતિ શિવાજી જીલ્લામાં હોઈ શકે નહી તેવી માંગણી સાથે એક જૂથને દુર કરવાની જાહેરાત કરી છે.
આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન ફડનવીસે સ્વીકાર્યુ કે ઔરંગઝેબની કબરની સુરક્ષા કરવી પડે તે તેમની સરકારની કમનસીબી છે છતા પણ આ મુદે કોઈ હિંસા ચલાવી લેવાશે નહી તેવી સ્પષ્ટ ચેતવણી તેઓએ આપી હતી. તેઓએ ઔરંગઝેબના ગુણગાન ગાનારાઓને પણ ચેતવણી આપી હતી અને કહ્યું કે સરકારની ધિરજની કોઈ કસોટી કરે તે સ્વીકાર્ય નથી.