Venezuela,તા.૩૧
સોશિયલ મીડિયા એપ ટીકટોકની સમસ્યાઓ સતત વધી રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ આ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને અમેરિકામાં પણ તેને પ્રતિબંધિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાએ પણ ટીકટોક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ટીકટોક પર ૧૦ મિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે ટીકટોક પર ચાલી રહેલી ઓનલાઈન ચેલેન્જમાં ત્રણ કિશોરોના મોત બાદ આ દંડ લગાવવામાં આવ્યો છે.
વેનેઝુએલાના સુપ્રીમ ટ્રિબ્યુનલ ઑફ જસ્ટિસના જજ તાનિયા ડી’એમેલિયોએ કહ્યું કે લોકપ્રિય વિડિયો શેરિંગ એપ ટીકટોકએ ખતરનાક સામગ્રીને રોકવા માટે પૂરતા અને જરૂરી પગલાં લીધાં નથી અને બેદરકારી હતી. વાસ્તવમાં, તાજેતરના દિવસોમાં, વેનેઝુએલામાં ત્રણ કિશોરો ટીકટોક પર ચાલી રહેલી ઓનલાઈન ચેલેન્જ પૂરી કરતી વખતે કેમિકલના નશાને કારણે મૃત્યુ પામ્યા છે.ટીકટોકની માલિકી ચીની કંપની બાઈટડાન્સ છે. વેનેઝુએલાની કોર્ટે બાઈટડાન્સને વેનેઝુએલામાં ઓફિસ ખોલવા અને દંડ ભરવા માટે આઠ દિવસનો સમય આપ્યો છે.
કોર્ટે કહ્યું કે દંડની રકમમાંથી એક ફંડ બનાવવામાં આવશે, જે ટીકટોકના ઉપયોગકર્તાઓને થયેલા માનસિક, ભાવનાત્મક અને શારીરિક નુકસાનની ભરપાઈ કરશે. બાઈટડેન્સે કોર્ટને કહ્યું કે તે ’મામલાની ગંભીરતા સમજે છે.’ વેનેઝુએલાના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા ચેલેન્જને પગલે રાસાયણિક પદાર્થોનું સેવન કર્યા પછી દેશભરની શાળાઓમાં ત્રણ કિશોરોના મૃત્યુ થયા છે અને ૨૦૦ નશામાં જોવા મળ્યા છે.
ટીકટોક ની વૈશ્વિક સફળતા માટેનું મુખ્ય કારણ તેના ઑનલાઇન પડકારો છે, જેમાં વપરાશકર્તાઓને નૃત્ય, જોક્સ અથવા વાયરલ થતી રમતો દર્શાવતા વીડિયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર આવા પડકારો વાયરલ થાય છે, જે વપરાશકર્તાઓના જીવનને જોખમમાં મૂકે છે. જો કે ટીકટોકની અધિકૃત નીતિ સ્વ-નુકસાન અને આત્મહત્યાને પ્રોત્સાહન આપતા વીડિયો પર પ્રતિબંધ મૂકે છે. નવેમ્બરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પણ ટીકટોક સામે કડક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર સોશિયલ નેટવર્કને નિયંત્રિત કરવા માટે કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહી છે. માદુરોએ એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર વેનેઝુએલા સામે હુમલાનું કાવતરું ઘડવાનો પણ આરોપ મૂક્યો છે.