Palanpur,તા.૨
ગઈકાલે ગુજરાતના ૩૪માં જિલ્લા ’વાવ-થરાદ’ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે આ નવા જિલ્લાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વિરોધમાં કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માગ કરવામાં આવી રહી છે.
શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી આ નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ ઉચ્ચારી છે. જ્યારે બનાસકાંઠાના વિભાજનને લઇ કાંકરેજના સ્ન્છનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો છે. કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો છે. કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવા માંગ કરી છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, હાલ આ જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.