Valsad ,તા.૧૨
વલસાડના કપરાડાથી બસ પલટી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલાં લોકોમાંથી ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એક મહિલાનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ મહારાષ્ટ્રથી સુરત જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ૩૦ મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં તેમાંથઈ ૧૮ ઈજાગ્રસ્ત થયાં છે, તેમજ એક મહિલાનું ઘટના સ્થળે જ માથું ધડથી અલગ થઈ જતાં મોતને ભેટી હતી. બસ અકસ્માત બાદ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.દુર્ઘટના થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસને સમગ્ર બનાવ વિશે જાણ કરી હેતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
સમગ્ર બનાવ વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ઢોળાવ વાળો રસ્તો હોવાથી રાત્રે ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી. આ અગાઉ પણ આ જ રસ્તે અનેક અકસ્માત થઈ ચુક્યા છે. જોકે, ડ્રાઈવર ફરાર થઈ જતાં પોલીસ ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે.