Valsad,તા.૨૮
વાપી તાલુકાના છીરી ગામમાં ૨૫મી ડિસેમ્બરે ગુમ થયેલી બાળકનો અવાવરું જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને દબોચી લીધો છે. આરોપીએ બાળકને ૧૦ રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકર્મ આચર્યું હતું.
વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી ગામના વડીયાવાડ વિસ્તારમાં ગઇ તારીખ ૨૫/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન એક ૭ વર્ષનો બાળક ગુમ થયો હતો. જેની ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ’મૂળ બિહારના ભાગલપુરના અને છીરી ગામના રણછોડનગર વડીયાવાડમાં વડા પાઉંની લારી ચલાવી ગુજરાન ચલાવતા પરિવારનો ૭ વર્ષીય બાળક ગુમ થયો હતો. જેને શોધવા વાપી ટાઉન, ડુંગરા, વાપી જી.આઇ.ડી.સી., વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી તેમજ સ્થાનિક આગેવાનોની મદદ લઈ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતાં.’
જે દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બાળકને એક અજાણ્યો વ્યક્તિ લઈને જતો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા ઝાંડી ઝાંખરાવાળી જગ્યાએથી બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના ફોરેન્સિક રિપોર્ટમાં બાળક સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવા કાન્તા રવિદાસ દાસ છે. જે આ જ વિસ્તારમાં રહે છે. તેની ઉંમર ૨૮ વર્ષની છે અને આ આરોપી મૂળ બિહારના ભાગલપુરનો વતની છે. ઇસમની પુછપરછ કરતાં પ્રાથમિક દ્રષ્ટીએ દુષ્કર્મ કરવાના ઇરાદાથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે બીએનએસની કલમ ૧૦૩(૧), ૧૪૦(૧), ૧૪૦(૪) તેમજ જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫,૬ મુજબની કલમોનો ઉમેરો કરી ગુનાની વધુ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ. પી. ગોહિલ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.