Valsad,તા.27
ગુજરાતમાં વીજ વિભાગના અવારનવાર છબરડાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દરજીની દુકાનનું 86 લાખથી વધુનું લાઈટ બિલ આવ્યુ છે. લાઈટ બિલની આટલી રકમ જોતા જ દરજીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુસ્લિમ અન્સારી નામનો દરજી શહેરની ચોરગલી માર્કેટમાં ન્યૂ ફેશન ટેલર નામે 8 બાય 8 ફૂટની દુકાન ચલાવે છે. સામાન્ય રીતે દરેક મહિને તેમનું બિલ 1300 થી 2500 રૂપિયા સુધીનું આવતું હોય છે. જો કે આ મહિનાનું બિલ 86,41,540 રૂપિયા આવ્યું હતુ.
આટલું મોટું બિલ આવતા અન્સારીને વિચાર આવ્યો કે, કદાચ વીજ વિભાગના કર્મચારીએ મીટર રીડિંગમાં ભૂલ કરી હશે. આથી તેઓએ ઓનલાઈન લાઈટ બિલ ચેક કર્યું, તો તેમાં પણ આટલી જ રકમ દર્શાવેલી હતી. આથી તાત્કાલિક તેમણે વીજ વિભાગનો સંપર્ક કર્યો અને પોતાનું મીટર ફરીથી ચેક કરવા જણાવ્યું હતુ.
આથી વીજ વિભાગના અધિકારીએ તપાસ કરી તો સામે આવ્યું કે ભૂલથી 1010298 યુનિટ વીજ વપરાશ દર્શાવી રહ્યું છે. જેના કારણે અન્સારીનું બિલ 86,41,540 રૂપિયા આવ્યું હતુ. આખરે વીજ વિભાગ દ્વારા ભૂલ સુધારી લેવામાં આવી. જે બાદ દરજીને રૂ. 1540 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું.
જો કે સોશિયલ મીડિયામાં વલસાડમાં 86 લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું હોવાના મેસેજ વાયરલ થવા લાગતા લોકો અન્સારીને દરજીની દુકાન દેખવા માટે ઉમટી પડ્યા હતા.