Vadodara,તા.04
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી નિર્મૂલનની કામગીરી સંદર્ભે વડોદરા શહેરમાં તા. 7 ડિસેમ્બરથી 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈ ટીબીના શંકાસ્પદ કેસો શોધવા, શંકાસ્પદ દર્દીઓનો છાતીનો એક્સ-રે કાઢવો અને જરૂરી આરોગ્યલક્ષી તપાસ કરી કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરામાં તા. 7 બાદ કુલ 622 ટીબીના નવા દર્દીઓ વહેલાસર શોધીને સારવાર પર મુકાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેર કુલ 12300 છાતીના એક્સ-રે કરવામાં આવ્યા છે. આ એક્સ-રે અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય સરકારી હોસ્પિટલ ખાતે નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે.
ટીબી એ જંતુજન્ય ચેપી રોગ છે, ટીબી થવાની શક્યતા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં વધુ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં જેને ટીબી થયો હોય, ડાયાબિટીસ હોય, ધૂમ્રપાન કરતા હોય, જેની ઉમર 60 વર્ષથી વધુ હોય, વ્યક્તિ કુપોષીત હોય તો, તેઓને ટીબી થવાની શક્યતા વધુ રહે છે. ટીબીના લક્ષણો ન હોય તો પણ ટીબીના તપાસ અને છાતીનો એકસ રે કરાવવો જરૂરી છે.