Vadodara,તા.30
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેડે આવેલા કપુરાઈ ગામના તળાવનું નવીનીકરણ રૂ.6 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. પરંતુ હજી હમણાં જ કામ શરૂ થયું છે ત્યારે જ તળાવના બનાવાયેલા પાળામાં જ ઠેક ઠેકાણે ગામડા પડી ગયા છે. જેમાં ક્યાંય સિમેન્ટ કે સળિયા નહીં દેખાતા નથી. પાલિકા તંત્રના ભ્રષ્ટાચારના વહીવટનો વધુ એક નમૂનાનો પર્દાફાસ થયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છ દિવસ અગાઉ દિવસ દરમિયાન પડેલા 12 ઇંચ જેટલા વરસાદથી શહેર જળબંબાકાર થયું હતું. જ્યાં પાણી અગાઉ ભરાતા ન હતા ત્યાં પણ પાણી ભરાતા શહેરીજનોનો આક્રોશ ભ્રષ્ટાચાર મુદ્દે ફાટી નીકળ્યો છે. કહેવાતી રૂપિયા પાંચ કરોડની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડયા છે. જ્યારે બીજી બાજુ પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર બતાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ હવે નવો નથી.
જ્યારે બીજી બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં કપુરાઈ ગામના તળાવનું નવીનીકરણનું રૂપિયા 6 કરોડનું કામ તાજેતરમાં જ મંજૂર કરાયું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે હાલમાં જ તળાવના નવીનીકરણનું કામ શરૂ કર્યું હતું. તળાવની ચારે બાજુએ કોન્ટ્રાક્ટર દ્વારા પાળાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરના વરસાદમાં કપૂરાઈ તળાવમાં પાણીની વધુ આવક થઈ હતી. જ્યારે બીજી બાજુ તળાવની ચારે બાજુએ કરાયેલા પાળાના મૂળમાં જ ઠેક ઠેકાણે પડેલા ગાબડા સ્પષ્ટ નજરે ચડે છે. આ ગાબડામાં જોતા ક્યાંય સળિયાનો ઉપયોગ થયો હોય તેવું જણાતું નથી ઉપરાંત સિમેન્ટ પણ ક્યાંય વપરાયાનું જણાતું નથી. માત્ર બનાવેલા પાળાના પ્લાસ્ટરમાં જ સિમેન્ટ વપરાયો હોવાનું સ્પષ્ટ જણાય છે. આમ પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી આ ભ્રષ્ટાચાર થયો હોય એવું નહીં માનવાને કોઈ કારણ નથી. કોન્ટ્રાક્ટરે માત્રને માત્ર માટીની દીવાલો બનાવીને સિમેન્ટનું પ્લાસ્ટર ચઢાવી દીધાનું સ્પષ્ટ નજરે ચડે છે. આ બાબતે જોઈ યોગ્ય રહે તપાસ કરવામાં આવે તો મસ મોટા ભ્રષ્ટાચારનો પરદાફાસ થશે તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. શહેરમાં પડેલા કેટલાક ભુવા બાબતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ એન્જિનિયર સામે કોઈ કાર્યવાહી કરાશે નહીં એવી સ્પષ્ટતા કરીને ખુલ્લેઆમ બચાવ કર્યો છે ત્યારે હવે આ કપૂરાઈ તળાવના પડેલા ગાબડા બાબતે સ્થળ નિરીક્ષણ કરીને દોષિતો સામે પગલા ભરશે કે પછી તેમનો પણ બચાવ કરશે.