Vadodara,તા.03
જમ્મુ-કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં ભારે હિમવર્ષા અને હાડ ધ્રુજાવતી ઠંડીની અસર શહેરમાં જણાય છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ન્યૂનતમ તાપમાનનો પારો 18-19 ડિગ્રી રહ્યા બાદ આજે ન્યુનતમ તાપમાનનો પારો એકાએક ઘટીને 13.4 અંશ ડિગ્રી સેલ્સિયસ થઈ જતા વહેલી સવારે ઠંડીનો ચમકારો જણાયો હતો. જોકે પવનની ગતિ પ્રતિ કલાક 3 કીમીની રહી હતી. આગામી દિવસોમાં હવે ન્યુનતમ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના નકારી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ન્યૂનતમ તાપમાનનો પારો સતત વધઘટ થતો હતો પરંતુ 15 અંશથી ઓછો થતો ન હતો અને સરેરાશ 18-19 અંશ ડિગ્રી જેટલો રહેતો હતો અને પવનની ગતિ પણ 3થી 5 પ્રતિ કિલોમીટરની રહેતી હતી પરંતુ વાતાવરણમાં આજે સવારે ન્યુનતમ તાપમાનનો પારો એકાએક ઘટીને 13.4 અંશ ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક 3 કિમીની રહી હતી. આમ છેલ્લા ચારેક દિવસથી શહેરમાં રહેતું ધુમ્મસ હટી જતા હવે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા સેવાય રહી છે.