5.50 લાખ નું 7.20 લાખ વ્યાજ વસુલીયા બાદ મુદ્દલ અને વધુ વ્યાજ વસૂલવા સિતમ
Upleta,તા.06
ઉપલેટા તાલુકાના ભાયાવદરના વૃદ્ધ અને વ્યાજખોર પિતા પુત્ર દ્વારા 5.50 લાખનું 7. 20 લાખ વ્યાજ ભર્યા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ભાયાવદરના ગંજીવાળા શેરી નંબર બે માં રહેતા ગીરીશભાઈ મોહનભાઈ કાસુન્દ્રા નામના ૬૦ વર્ષીય વૃદ્ધએ ઉપલેટાના ખાખી જાળીયા ગામે રહેતા નટુભાઈ કરમુર અને મેરામણભાઇ નટુભાઈ કરમુર સહિત બંને પિતા પુત્ર વેપારીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગિરીશભાઈ કાસુન્દ્રાને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા ડેરીના સંચાલક નટુભાઈ પાસેથી ₹4,00,000 માસિક 7 ટકે અને દોઢ લાખ રૂપિયા માસિક 8% લેખે વ્યાજે લીધા હતા જે પેટે અત્યાર સુધીમાં 7.20 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હતા. બાદ વેપારી પિતા પુત્રે વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પિતા પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ આદરી છે.