Upleta. તા.18
ઉપલેટામાં સફરજન લેવાં મામલે ફ્રુટના વેપારીને થાંભલો પકડાવી લુખ્ખાએ લાકડીથી બેફામ ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ઉપલેટા પોલીસ મથકના બે શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટી દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતાં જયેશભાઇ લાલચંદભાઇ સાદીશા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રામદે કનારા અને અજાણ્યો બુલેટ ચાલક (રહે. બંને ઉપલેટા) નું નામ આપી જણાવ્યું હતું કે, તે ઉપલેટા રાજમાર્ગ પર સતનામ ફ્રુટ નામની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.16 ના સાંજના સમયે તે પોતાની ફુટની દુકાને હાજર હતો ત્યારે રામદે કનારા દુકાને સફરજન લેવા આવેલ અને સારી ક્વોલીટીના સફરજન આપવાનુ કહેલ જેથી તેઓને રૂ.120 ના ભાવના 2 કિલો સફરજન આપેલ હતાં. રામદેએરૂપીયા આપીને જતા રહેલ બાદ રાત્રીના સવા દસેક વાગ્યે તેઓ દુકાન બંધ કરી ઘરે જતો હતો.
ત્યારે રામદે કનારા તેનુ બાઈક લઇ આવેલ અને ફડાકો ઝીંકો દિધેલ અને તેનુ બાઈક પડી ગયેલ હતું. જેથી તેને બાઈક ઉભું કરવાનુ કહેતાં તેનુ બાઈક ઉભુ કરી દિધેલ બાદ તેને દુકાન ખોલવાનુ કહેતાં વેપારીએ દુકાન ખોલેલ હતી.
બાદમાં વેપારીને ગાળો આપી કહેલ કે, તારે જેટલાને બોલાવવા હોય તેને બોલાવી લે મારે તને મારવો જ છે જેથી તેને કહેલ કે તમને શુ થયુ ? સફરજન ખરાબ હોય તો હુ તમોને બદલી આપુ, તો કહેવા લાગેલ કે, મારે તને મારવો જ છે કહેતાં વેપારીએ તેના સબંધીઓને બોલાવેલ બાદ રામદેને રીકવેસ્ટ કરેલ કે અમારાથી કાંઈ ભુલ થય હોય તો તમારી માફી માંગીએ છીએ પરંતુ તે કહેવા લાગેલ કે, તને મારવો જ છે.
બાદમાં આરોપીએ ફોન કરી અજાણ્યાં શખ્સને બોલાવતા એક બુલેટ લઈ અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને રામદેને લાકડી આપેલ બાદ વેપારીને થાભંલો પકડીને ઉભુ રહેવાનુ કહેલ જેથી તે દુકાનની બાજુમા રહેલ થાંભલો પકડીને ઉભો રહી ગયેલ અને રામદેએ કહેલ કે, આ ગામ કોનુ છે, તને ખબર છે આ ગામ આહીરનું છે જેથી તારે અહીં રહેવાનુ છે, ને તેમ કહી ગાળો આપી લાકડીથી શરીરે અને બેઠકના ભાગે ફટકારવા લાગ્યો હતો.
બાદમાં રામદેએ કહેલ કે, જો તુ આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બંને શખ્સો નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.