Bahraich,તા.15
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના શાંત થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. સોમવારે ઉપદ્રવીઓએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમ સહિત ઘણાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ વહીવટી તંત્રએ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેહનાત કરી દીધી છે. તેમ છતાં ઉપદ્રવીઓએ મોડી રાત્રે નકવા ગામમાં ધાર્મિક સ્થળમાં તોડફોડ કરી હતી અને તેને આગ ચાંપવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
ઉપદ્રવીઓએ સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે એક ગામમાં આગ ચાંપી દીધી હતી. નકવા ગામના સરપંચે જણાવ્યું કે 10થી 15 લોકોએ આગચંપી કરી છે. આગ ચંપી બાદ પોલીસ અને પીએસીની ભારે ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસને જોતા જ ઉપદ્રવીઓ ભાગી ગયા હતા.
ઘટના સ્થળે 50થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર
મહસીના બીડીઓ હેમંત યાદવે જણાવ્યું કે કેટલાક ઉપદ્રવી તત્વોએ ગામમાં આગ ચાંપી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળે 50થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર છે. આ ઉપરાંત એક ધાર્મિક સ્થળને તોડી પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપદ્રવીઓએ એક મજારને તોડવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે મજારને તોડીને તેને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
પત્થરમારો-ફાયરિંગમાં એક યુવકના મોત બાદ હંગામો
રવિવારે સાંજે લગભગ 6:દદ વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું મોત થઈ ગયુ હતું અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હજારો લોકો લાઠી-દંડા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તોડફોડ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસે મોર્ચો સંભાળ્યો પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. 14 ઓક્ટોબરની બપોર સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.
આ દરમિયાન ઉપદ્રવીઓએ એક હોસ્પિટલને આગ ચાંપી દીધી હતી. અંદર લગાવેલ એક્સ-રે મશીનને તોડી નાખ્યું હતુ. બેડ, અને અરીસાઓ તોડી નાખ્યા હતા. નજીકના મેડિકલ સ્ટોરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. તોડફોડ કરીને સમગ્ર મેડિકલ સ્ટોરનો નાશ કરી દીધો હતો. એટલું જ નહીં ઉપદ્રવીઓએ બાઈકનો શોરૂમ પણ સળગાવી દીધો હતો.
બીજી તરફ મૃતક રામગોપાલ મિશ્રાના પરિવારજનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કર્યા બાદ અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતકના પરિવારજનોએ સીએમ પાસેથી ન્યાયનું આશ્વાસન મળ્યા બાદ જ આ પગલું ભર્યું છે. આ પહેલા લોકો મૃતદેહને રસ્તા પર રાખી વિરોધ કરી રહ્યા હતા. તેમણે વહીવટીતંત્ર પાસે માંગ કરી હતી કે ગુનેગારોનું એન્કાઉન્ટર કરવામાં આવે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે.