વર્ષ 2023માં ભુણાવાથી અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરી લીધા : ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવાઈ
Rajkot,તા.18
શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોંડલના ભુણાવા ગામેથી વર્ષ 2023માં સગીરાનું અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરીને ગર્ભવતી બનાવી દેનાર સગીર પતિ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સગીર પતિએ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવતા ભાંડાફોડ થયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ફરિયાદ ઝીરો નંબરથી ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવાઈ છે.
મામલામાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2023માં ગોંડલના ભુણાવા ગામેથી મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી એક સગીર અપહરણ કરી ઉપલેટા ખાતે લઇ ગયો હતો. જ્યાં સગીરે પીડિતા સાથે લગ્ન કરી લીધા હતા બાદમાં બંને રાજકોટ ખાતે આવી બેડી ચોકડી નજીક રહેતા હતા. બાદમાં સગીર પતિએ સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. હાલ સગીરાને એક સંતાન પણ છે.
14 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સગીર પતિએ તેને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સગીરા વધુ એકવાર ગર્ભવતી થયાનું સામે આવતા હોસ્પિટલ તંત્રે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. પોલીસની તપાસમાં તમામ વિગતો સામે આવતા પોલીસે 14 વર્ષીય સગીરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો અને બાદના આ ફરિયાદ ઝીરો નંબરથી ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.