Rajkot, તા.21
ભૂખી ગામે રહેતો યુવાન પત્ની સાથે ધોરાજી ખરીદી કરવાં આવ્યો ત્યારે સામે મળેલા કાકાજી સસરાએ પ્રેમ લગ્નનો ખાર રાખી લોખંડના વજનીયાથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ધોરાજીના ભૂખી ગામે રહેતાં મયુરભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ બાવનજી ભડેલીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે.
તેઓ બે ભાઈ અને બે બહેનો છે. તેમાં સૌથી નાનો તેઓ છે અને તેને લવ મેરેજ કરેલ છે. ગઈકાલે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ તે અને તેમના પત્નિ વંદનાબેન બન્ને બાઇકમાં ધોરાજી ખરીદી કરવા માટે નીકળેલ અને ધોરાજી નદી બજારમાં હતાં ત્યારે તેના કાકાજી સસરા શૌલષ ભડેલીયા સામેથી આવતા હોય તેને જોઈ ફરિયાદી પોતાનું બાઈક સાઇડમા ચલાવીને જતો હતો અને તેમની નજીક પહોંચતા આરોપીએ ફડાકો મારેલ જેથી તે નીચે પડી ગયેલ હતો.
દરમિયાન આરોપીએ ત્યાં બાજુમાં રહેલ લારીએથી વજન કરવાના ત્રાજવામાથી લોખંડનું તોલુ (વજનયુ) લઇને માથામાં ઘા ઝીંકી દિધો હતો. યુવાનને લોહી નીકળવા લાગતાં તે ત્યાંથી દૂર જતો રહેલ હતો અને આરોપી પણ નાસી છૂટ્યો હતો.
બાદમાં ઇજાગ્રસ્ત યુવાન તેની પત્ની સાથે પોલીસ મથક તરફ આવતાં હતાં ત્યારે કીંગ ગોલા વાળા ની દુકાન પાસે પહોંચતા ત્યા ફરીવાર આરોપી શૈલષ મળેલ અને પોતાનું બાઈક અથડાવેલ હતું અને ધમકી આપેલ કે, મારી ભત્રીજી સાથે પ્રેમ લગ્ન કરેલ છે તો બીજી વખત સામે મળીશ ત્યારે પણ માર મારીશ તેમ કહીં નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને પ્રથમ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.