Washington,તા.12
યુક્રેન રશિયા સાથેના ત્રણ વર્ષ લાંબા યુદ્ધમાં પહેલીવાર યુદ્ધવિરામ માટે સહમત થયું છે. સાઉદી અરેબિયામાં અમેરિકા સાથેની વાતચીત દરમિયાન યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, હવે તેઓ આ પ્રસ્તાવ સાથે રશિયા જશે અને તે નિર્ણય મોસ્કોએ લેવાનો છે. આ સાથે અમેરિકા યુક્રેનની મદદથી ગુપ્ત માહિતી શેર કરવાનું ફરી શરૂ કરશે.
સોમવારે રાત્રે કિવ દ્વારા મોસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યા પછી રશિયા સાથે યુદ્ધ રોકવાના રસ્તા શોધવા માટે યુક્રેનિયન અને અમેરિકાના અધિકારીઓએ કલાકો સુધી બેઠકો યોજી હતી.
આઠ કલાકથી વધુ ચાલેલી બેઠક દરમિયાન બંને પક્ષોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું જેમાં યુક્રેને તાત્કાલિક 30 દિવસના વચગાળાના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.
આ યુદ્ધવિરામ યુક્રેન અને રશિયા વચ્ચે પરસ્પર કરાર દ્વારા આગળ વધારવામાં આવી શકે છે અને તે રશિયા દ્વારા તેની સ્વીકૃતિ અને અમલીકરણ પર આધાર રાખે છે. હવે અમેરિકા શાંતિ સ્થાપિત કરવા માટે રશિયાનો સંપર્ક કરશે અને તેને અમલમાં મૂકવા કહેશે.
યુક્રેનિયન અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, તેઓ બ્લેક સીમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકશે જે શિપિંગને સુરક્ષિત કરશે, યુક્રેનમાં નાગરિકો પર મિસાઇલ હુમલાઓ અટકાવશે અને કેદીઓને મુક્ત કરવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે યુક્રેન દુર્લભ ખનિજો અંગે અમેરિકા સાથે કરાર કરવા તૈયાર છે. ટ્રમ્પે આમાં રસ દાખવ્યો છે.
રુબિયોએ પત્રકારોને જણાવ્યું હતું કે, યુએસ પ્રતિનિધિમંડળ ત્રણ વર્ષ ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ ચોક્કસ પગલાંનો પ્રસ્તાવ મૂકશે નહીં. તે યુક્રેન પાસેથી જાણવા માંગે છે કે તેઓ કઈ શરતો પર વિચાર કરવા તૈયાર છે.