Paris Olympics માં ભારતને એક પછી એક બે ઝટકા, વિનેશ બાદ મીરાબાઈ ચાનુ 1 કિલો માટે રહી ગઈ

Share:

Paris,તા.08

પેરિસ ઓલિમ્પિક માં ભારતને એક પછી એક બે ઝટકા લાગ્યા છે. બુધવારે (7 ઓગસ્ટ) નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચ પહેલા જ વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે વેઈટલિફિંટગ (Weightlifting)માં મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ છે. 49 કિલોગ્રામ કેટેગરીમાં એક કિલોગ્રામથી મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને રહી હતી.

વધુ એક મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું

વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા જ અયોગ્ય જાહેર કરાતા કરોડો ભારતીય ફેન્સની ઉમ્મીદ તૂટી ગઈ હતી. ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ પાસે પણ મેડલ જીતવાની આશા હતી, પરંતુ એક કિલોગ્રામથી તેની હાર થતાં જીતની આશા પર પાણી ફરી વળ્યું છે. અને મેડલનું સપનું પણ રોળાઈ ગયું છે.

મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને રહી હતી

નોંધનીય છેકે 29 વર્ષની મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિકમાં કુલ 199 કિલો વજન ઉચક્યું હતું. આ વજન સાથે તે ચોથા સ્થાને રહી હતી. માત્ર ત્રણ વેઇટલિફ્ટર્સે તેમના કરતાં વધુ વજન ઉચક્યું હતું. થાઈલેન્ડની સુરોદચના ખામ્બો (Surodchana Khambao)એ 200 કિલો વજન ઉચકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો મીરાબાઈએ વધુ એક કિલો વજન ઉચક્યું હોત, તો તેમની અને સુરોચના વચ્ચે ટાઈ થઈ ગઈ હોત. જ્યારે ટાઇ હોય ત્યારે વેઇટલિફ્ટરનું વજન જોવામાં આવે છે. જેનું વજન ઓછું હોય તેને મેડલ મળે છે.

સ્નેચમાં 88 અને ક્લીન એન્ડ જર્કમાં 111કિ.ગ્રા વજન ઉચક્યું

મણિપુરની મીરાબાઈ ચાનુએ સ્નેચના પ્રથમ પ્રયત્નમાં 85 કિલો વજન ઉચક્યું હતું. ત્યારબાદ બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહી હતી અને ત્રીજા પ્રયત્નમાં 88 કિલો વજન ઉચક્યું હતું. મીરાબાઈ ચાનુ ક્લીન એન્ડ જર્કમાં તેના ત્રણમાંથી બે પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી. પહેલા 111 કિલો વજન ઉચકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ કરી શકી ન હતી. જોકે બીજો પ્રયાસ પણ 111 કિલો માટે કર્યો અને આ વખતે તેણે સફળતાપૂર્વક વજન ઉચકી લીધુ હતું.

મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું

ભારતીય વેઇટલિફ્ટરે સ્નેચમાં 88 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રા વજન ઉઠાવીને ચોથા ક્રમે ચાલી રહી હતી. તેણીએ ત્રીજા સ્થાન માટે ક્લીન એન્ડ જર્કમાં પોતાનું વધુ વજન ઉચકવું જરૂરી હતું. આ માટે ચાનુએ ત્રીજા પ્રયત્નમાં 114 કિલો વજન ઉપાડવાનું નક્કી કર્યું, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આ કારણે તેનું ઓલિમ્પિકમાં સતત બીજો મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ઉલ્લેખનીય છેકે મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *