Turkey ,તા.૨૫
તુર્કીમાં એક ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોતના અહેવાલ છે. આ બ્લાસ્ટ વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીના બાલ્કેસિર પ્રાંતમાં સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય ગવર્નર ઇસ્માઇલ ઉસ્તોગ્લુએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાલ્કેસિર પ્રાંતના કારેસી વિસ્તારમાં ફેક્ટરીમાં થયો હતો, જેમાં ૧૨ નાગરિકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
જે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો તેનું નામ ઝેડએસઆર એમ્યુનિશન પ્રોડક્શન ફેક્ટરી છે. બ્લાસ્ટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં લેતા, મૃત્યુઆંક વધવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકોના જીવ ગયા હતા. તપાસ એજન્સીઓ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી તુર્કી પણ હચમચી ગયું હતું. ૬ ફેબ્રુઆરીએ તુર્કીના ગાઝિયાંટેપ વિસ્તારમાં આવેલા ભૂકંપમાં ૪૫ હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપને કારણે તુર્કીને અંદાજે ૧૦૪ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. તુર્કીમાં આવેલો આ ભૂકંપ આ વર્ષની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક હતી. આ ભૂકંપની અસર એટલી મોટી હતી કે ભૂકંપ બાદ તુર્કીની જમીન ત્રણ મીટર ખસી ગઈ હતી.