ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના નેતા કમલા હેરિસ ૧૦ સપ્ટેમ્બરે મીડિયા સામે એકબીજા સાથે ડિબેટ કરશે
Washington, તા.૧૭
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડિબેટ થવા જઈ રહી છે. જેની ટ્રમ્પે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર ટ્રમ્પે ડિબેટ સ્પીચમાં પોતાના પક્ષને અસરકારક બનાવવા માટે ભૂતપૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસ મહિલા અને હિંદુ-અમેરિકન નેતા તુલસી ગબાર્ડની મદદ માગી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના નેતા કમલા હેરિસ ૧૦ સપ્ટેમ્બરે મીડિયા સામે એકબીજા સાથે ડિબેટ કરશે.
૨૦૨૦ ની રાષ્ટ્રપતિની રેસ પછી તુલસીએ ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી અને ટ્રમ્પના સમર્થક બની ગયા. લાંબા સમયથી તેની ટ્રમ્પ સાથે મિત્રતા છે.
તુલસી ગબાર્ડનો જન્મ અમેરિકન સેમોન વંશના યુએસ રાજ્ય હવાઈના વતની એક પરિવારમાં થયો હતો.
તેમના પિતા કેથોલિક હતા અને તેમની માતા હિંદુ ધર્મના હતા. તુલસી ગબાર્ડે પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તે ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોના હિમાયતી રહ્યા છે.
ટ્રમ્પ કમલા હેરિસ સામેની પ્રથમ પ્રમુખપદની ડિબેટને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે જે રીતે તેમણે પહેલી ડિબેટમાં જો બાયડેનને હરાવ્યા હતા, તેવી જ રીતે તેઓ કમલા હેરિસને ડિબેટમાં હરાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે ટ્રમ્પ ડિબેટની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતા નથી. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ડેમોક્રેટ સાંસદ તુલસી ગબાર્ડ આ કામમાં ટ્રમ્પની મદદ કરી રહ્યા છે.
ગબાર્ડે ૨૦૨૦ માં ડેમોક્રેટ પાર્ટી છોડી દીધી હતી અને હવે તેને ટ્રમ્પ સમર્થક માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં તુલસી ગબાર્ડે એક ડિબેટ દરમિયાન કમલા હેરિસને ખરાબ રીતે હરાવ્યા હતા અને હેરિસને ઘણા મુદ્દાઓ પર અવાચક છોડી દીધા હતા.
આથી ડોનાલ્ડ ટ્રમ્પને ડિબેટ માટે તૈયાર કરવા માટે તુલસી ગબાર્ડની પસંદગી કરવામાં આવી છે. ૨૦૨૦ માં યુએસ રાષ્ટ્રપતિ પદના દાવેદારોમાં તુલસી ગબાર્ડ અને કમલા હેરિસનું નામ પણ હતું. આ કારણે ૨૦૧૯માં ડેમોક્રેટ પ્રાઇમરી ઇલેક્શન દરમિયાન બંને વચ્ચે ડિબેટ થઈ હતી.