Washington,તા.21
અમેરિકામાં ટ્રમ્પ શાસનના પ્રથમ કલાકમાં જ વિશ્ર્વભરમાં તેના પડઘા અને પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે. એક તરફ ટ્રમ્પએ આપેલી ચેતવણીની ગંભીરતા જોતા જ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ લાગુ થઈ ગયુ છે. ખુદ ટ્રમ્પે એ પણ જાહેરાત કરી હતી કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ પણ ખત્મ કરાવશે તેનો પ્રતિભાવ આપતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને યુક્રેન મુદે અમેરિકા સાથે વાતચીત માટે તેઓ તૈયાર હોવાનો સંકેત આપી દીધો છે. મોસ્કોમાં એક વાતચીતમાં તેઓએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના નવા શાસન સાથે તેઓ યુક્રેન મુદે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે.
તેઓએ એ પણ આશા દર્શાવી કે જો કોઈ સમાધાન થશે તો તે ફકત કામચલાવ શાંતિ સ્થાપવા માટે નહી પણ તમામ લોકોના હિતોના સન્માન સાથે કાયમી શાંતિ માટેનું હોવું જોઈએ.
ટ્રમ્પે અગાઉ જ ત્રીજા વિશ્ર્વયુદ્ધની નજીક આવી ગયા છે તેવુ કહીને તેઓ આ યુદ્ધ થવા દેશે નહી તેવો હુંકાર કર્યો હતો. શ્રી પુટીને અમેરિકી રાષ્ટ્રપતિપદે ટ્રમ્પના આગમન બાદ તેમને અભિનંદનનો સંદેશ પાઠવ્યો હતો.