Surat,તા.17
સુરતના નાના-મોટા પ્રત્યેક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની ઐસીતૈસી કરનારા સંખ્યાબંધ વાહનચાલકો સામે કાર્યવાહી થઈ હતી. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રૂપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે. આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલદરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું.
મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો. રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા-નાચતા વાડીએ પહોંચ્યા હતા. આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં દર 200 મીટરે ટ્રાફિક સિગ્નલ, બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી રહ્યા છે. લોકો ભયભીત થયા છે. લોકોમાં ગુસ્સો છવાયો હોઈ રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું.’