વરસાદના કારણે મેળાના મેદાનમાં ખાબોચિયા ભરાઈ ગયા છે મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું
Rajkot, તા.૨૫
રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલા અચાનક ધોધમાર વરસાદે શહેરના વાર્ષિક લોકમેળાને અસર કરી છે. આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે.
આ ઉપરાંત, મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
મેળામાં સ્ટોલ ધરાવતા એક વેપારીઓનું કહેવું છે કે, અમે આ મેળા માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ આ વરસાદે બધું બગાડી નાખ્યું છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે અમારો વેપાર ખૂબ જ પ્રભાવિત થયો છે.
સામાન્ય રીતે આ સમયે મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ જોવા મળ્યા છે.
રાજકોટમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન અચાનક આવેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, “વરસાદના કારણે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું છે. અમે વરસાદ અટકે કે તરત જ મેળામાંથી પાણીનો નિકાલ કરવા માટે આદેશ આપ્યા છે.”
તેમણે ઉમેર્યું કે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોને મેળાના ગ્રાઉન્ડમાં મોરમ અને કપચી પાથરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી લોકોને ચાલવામાં સરળતા રહે.
તંત્ર આગામી સમયમાં લોકમેળાના દિવસો વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.
રાહતની વાત એ છે કે જિલ્લામાં હાલ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. જો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો છે.