પુ.મોરારિબાપુના સાધુ ચરિત જીવનમાં બે ત્રણ બાબતો ખૂબ જ આક્રમક અને ઉપકારક દેખાય છે.તેમાં પહેલી વાત આવે છે વંચિત,પીડિત, દુઃખી એવાં લોકો માટે અનુભવાતી પોતાની પીડા અને સંવેદનશીલતાથી તેના ઉપર મલમપટ્ટાની સતત થઈ રહેલી સેવા પ્રવૃત્તિઓ જેમાં આરોગ્ય, અકસ્માતે કે આફતમાં સપડાયેલાં પરિવારોને સાંત્વના અને સમયબધ્ધતાપૂર્વક મદદ પહોંચાડવાની મન્શા.બીજું એક ચિંતન તેમના જીવનમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર,પ્રસાર, સંરક્ષણ અને સિંચન માટેની પ્રવૃત્તિઓનું પોષક થવું. છેલ્લાં થોડા વર્ષથી મોરારિબાપુના ધ્યાન ઉપર એ વાત આવી કે આપણાં એ વનવાસી ભાઈ- બહેનો કે જે જેને બાપુ અનાદિવાસીઓ એવું નામ આપે છે, તેઓ પોતાની જરૂરિયાત,પીડા કે દર્દને જ્યારે કોઈ સાંભળનાર નથી,સરકારનો હાથ પણ ત્યાં પહોંચી શકતો નથી.કોઈ નો સધિયારો કે હુંફ મળે છે ત્યારે તે તેના તરફ અનુગ્રહિત થાય છે.આ અનુગ્રહનો લાભ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પોતાના ધર્મ વિસ્તાર માટે લે છે. જેબ ગોરી નામના એક હિન્દી કવિ કહી ગયા છે
“જખ્મ લગા કર ઉસકા ભી કુછ હાથ ખુલા
મેં ભી ધોકા ખા કર કુછ ચાલાક હુઆ”
આ વિસ્તારક પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા વગેરે જિલ્લાઓમાં આગળ વધતી રહી છે,ફૂલીફાલી છે.તાપી વગેરે જિલ્લાઓમાં તો કેટલાક તાલુકાઓમાં ખૂબ બધા અનાદિવાસી ભાઈ બહેનોએ હિંદુ ધર્મને છોડીને ખ્રિસ્તી ધર્મને સ્વીકારી લીધો છે. આ ધર્માતંર પ્રવૃત્તિ અટકાવવી એ કોઈ ધર્મના વિરોધ નથી પરંતુ આપણા ધર્મના આચારમા ક્યાં કચાશ,ખામી કે ભુલ છે કે જેનાથી કોઈ માણસ આપણાથી છૂટો પડી ને અન્ય જગ્યાએ જતો રહે છે.તેનુ ચિંતન કરવાનો રુડો અવસર વ્યાસપીઠે આપ્યો છે.
ગાંધીજીના જીવન ઉપર નજર કરીએ છીએ તો તેઓ જ્યારે વિલાયતમાં જાય છે. ઇંગ્લેન્ડમાં ત્યાં તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો ઘણા લોકો આગ્રહ કરે છે.પરંતુ ત્યારે પૂજ્ય ગાંધીબાપુ હિન્દુ ધર્મના આદર્શો,મૂલ્યોને બરાબર સમજીને કહે છે કે હું કોઈ ધર્મનો અનાદર કરતો નથી.પરંતુ હું ધર્માંતર કરવાનો પક્ષઘર નથી. હું જીવવાનું અને મરવાનું હિન્દુ ધર્મમાં જ પસંદ કરીશ. ધર્માંતરની પ્રવૃત્તિ કોઈ ધર્મનો વિરોધ નથી પરંતુ આપણા ધર્મના આચારથી અવગણના કે દોષનો આત્મખોજનો અવસર છે.જે ભૂલા પડ્યા છે પરત બોલાવી લેવું એ મોટું ધર્મકાર્ય છે જે મોરારિબાપુ કરી રહ્યા છે. કોઈ ગેરલાભ લઈને પોતાના ધર્મના વિસ્તાર માટે જે કામ કરે છે તેને અટકાવવાની આપણી નૈતિક જવાબદારી અને ફરજ છે. આ ફરજનું બીડું તાજેતરમાં પૂજ્ય મોરારિબાપુ એ હાથમાં લીધું છે. કોઈ હલ્લા બોલ નહીં કે નારા નહીં પરંતુ જે અન્ય ધર્મમાં ગયા છે તેને પાછા વાજતે ગાજતે લાવવાની આ પ્રવૃત્તિ એ હવે મહા અભિયાનનું સ્વરૂપ પકડી રહી છે. જે મોટી સંસ્થાઓ નથી કરી શકી તે બાપુની વ્યાસપીઠ કરી રહી છે.
સને 2024માં વલસાડ જિલ્લાના ધરમપુરના ખાંડામાં એક રામકથાનું આયોજન થયું.ત્યારે કથા દરમિયાન સૌ અંતરિયાળ રહેતા લાખો વનવાસી ભાઈ બહેનોએ સાથે બેસી નવ દિવસ પ્રસાદ ગ્રહણ કર્યા.બાપુએ પોતાની ઈચ્છા જાહેર કરી કે હું દર વર્ષે ઓછામાં ઓછો એકાદ વખત આ અનાદિવાસી ભાઈઓની વચ્ચે આવવાનો સ્વીકાર કરું છું. એટલે કે વ્યાસપીઠને લઈને આ વિસ્તારમાં ફરવું છે.રામ અને રામતત્વના દર્શનથી હિન્દુ ધર્મની વિભાવનાઓ સ્પષ્ટ કરવાની બાપુની આ પ્રવૃત્તિ,વૃતિ કે ચિંતન અનાદિવાસી ભાઈ બહેનોના ઘર સુધી જાય છે.પછી તે બધાનાં હૃદય સુધી પહોંચી રહી છે.બાપુની ભિક્ષા સ્વીકાર કરવાની વાત માત્ર કોઈ દંભ નથી પરંતુ જે અંતિમ માણસ બાપુને મળી શકતો નથી તેને મળવા જઈને તેમની સાથે સંવાદ સાધવાની એક સંવેદનાત્મક યાત્રા છે.ચાલુ વર્ષે સને 2025ના હોળી પર્વે મહારાષ્ટ્ર પાસેના છેવાડાના ગામ અને તાપી જિલ્લાના નાનકડા એવા પરગણા સોનગઢમાં બાપુની વ્યાસપીઠ પોતાની સુગંધ લઈને તારીખ 8 થી 16 માર્ચ સુધી પહોંચી છે. તેનો જળહળા પ્રકાશ સર્વત્ર ફેલાઈ રહ્યો છે.હિન્દુ ધર્મનું આટલાં વિશાળ પાયા ઉપર થઈ રહેલા કાર્યને જેટલા પ્રમાણમાં સરાહીએ એટલું ઓછું છે.કથાના પ્રારંભે અમેરિકા સ્થિત તલગાજરડી વ્યાસપીઠના મનોરથી એવા જગુભાઈ પટેલે પણ ઈચ્છા જાહેર કરી કે તમામ અનાદિવાસી ભાઈ બહેનોના મન અને હૃદય સુધી પહોંચવા ભગવદ્ ગીતા અને રામચરિત માનસ ઘર ઘર સુધી પહોંચાડવા- પધરાવવામાં આવશે.આ એક બહુ મોટું મોટો સંદેશ સમગ્ર જગતને જઈ રહ્યો છે.હોળીના દિવસે કથા દરમિયાન બાપુને એક ચીઠી મળે છે.આ ચિઠ્ઠીનો સાર એવો હોય છે કે અહીં પૂરતા પ્રમાણમાં શાળાઓ નથી અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણવા ખ્રિસ્તી ધર્મના સંતો લઈ જાય છે.પછી તે તેની કંઠી બાંધીને એ ધર્મમાં ભેળવી દે છે.આ વટાળ પ્રવૃત્તિને અટકાવવા બાપુને થયેલો એક આર્તનાદ હતો. અહીં સરકારના હાથ પણ હજુ પહોંચ્યા નથી કે જ્યાં શિક્ષણ પુરતા પ્રમાણમાં સર્વ લોકો માટે અને અંતિમ માણસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ હોય ! આવી પરિસ્થિતિમાં જો અહીં નવી શાળાઓ નિર્માણ થાય તો તલગાજરડી વ્યાસપીઠ જાહેર કરે છે કે કોઈપણ શાળાનું જો આ વિસ્તારમાં સરકાર કે અન્ય કોઈ રીતે નિર્માણ થશે અને તેની દરખાસ્ત ચિત્રકૂટધામ તલગાજરડાને મળશે તો એક લાખ રૂપિયાનું અનુદાન કૃષ્ણાર્પણ કરવાની જાહેરાત કરીએ છીએ.આ પહેલ એક ક્રાંતિના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ.આ વાત નાની નથી મંદિરો કે મઠ ધરાવતા હિન્દુ ધર્મના અધિપતિઓ આજે પણ ત્યાં પહોંચી નથી શક્યા, ત્યાં વ્યાસગાદી હાથ ફેલાવે એ વિરલ ઘટના છે.બાપુએ ધર્મની સેવાર્થે જે કાર્યો કર્યા છે તેની નોંધ લઈએ તો કદાચ આ કાર્યો જગતમાં કોઈ કરી શકશે કે કેમ એક સવાલ છે.અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં આખા એ ભારતમાં સૌથી વધુ 18 કરોડની રાશિ તેમના માધ્યમથી અર્પણ કરીને પોતાનું યોગદાન નોંધાવ્યું છે.દુનિયાના 130 થી વધુ દેશોમાં રામચરિત માનસ કથા પહોંચાડવાની ત યશગાથામાં તેમને નામે લખાવી જોઈએ.કુલ 953 જેટલી રામચરિત માનસની કથાનું ગાન કરીને તેમણે જીવનના અમૂલ્ય વર્ષો રામ માટે વિતાવ્યાં છે. એટલું જ નહીં તેનાથી અનેકોના જીવનમાં રામ તત્વને સમજવા અને તેની સુગંધને પ્રસરવવા ખૂબ મોટા પ્રયત્નો થયાં છે.સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ રામમંદિરનું નિર્માણ થાય અને તેની કુલ રાશિ 25 લાખથી વધુ હોય ત્યારે તલગાજરડાની વ્યાસપીઠે તેમાં તુલસી દલ રૂપે ₹1,00,000 ની આહુત્તિ આપવાનું જાહેર કર્યું છે.તેનાથી અનેક મંદિરોના નિર્માણ શક્ય બન્યા છે. રામકથા, ભાગવત કથા, દેવી ભાગવત,શિવ પુરાણ અને અન્ય પુરાણોના લગભગ ભારતના 1500થી વધુ કથાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું કાર્ય સતત તલગાજરડાની વ્યાસપીઠ કરતી રહી છે.આ તમામ પ્રવૃત્તિ હિન્દુ ધર્મના સિંચન અર્થે કરવામાં આવતા પવિત્ર યજ્ઞકાર્ય તરીકે નોંધાવી જોઈએ.
સોનગઢની આ રઘુનાથ ગાથા દરમિયાન આસપાસના વિસ્તારોના અનેક અનાદિવાસી ભાઈ- બહેનો ફરી હિન્દુ ધર્મના પવિત્ર પ્રવાહમાં પોતાના પગલાંઓ પાડી રહ્યાં છે અને ભજન,ભોજનનો આ મનભાવન પ્રસંગ રંગે ચંગે ઉજવી રહ્યા છે. અનોપ જલોટા તેના શબ્દમા કહે છે પણ ખરાં
“જો ફરેબ હમને ખાયા રાજદા સમજકર
ઉસે કૈસે ભુલ જાઉં દાસ્તાં સમજકર”
હિદુ ધર્મ માટે પૂજ્ય મોરારિબાપુની આ અનુગ્રહિત અનુષ્ઠાન યાત્રા વામન સ્વરૂપમાં સૌએ સ્વીકારવી પડશે.બાપુની પવિત્ર પાવની પારંપરિક વાણી અને વ્યવહારિતાને શત શત નમન.
તખુભાઈ સાંડસુર