Mumbai,તા.16
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં હાલ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. વર્તમાન ડબ્લ્યૂટીસી પોઈન્ટ્સ ટેબલમાં રોહિત શર્મા એન્ડ કંપની 68.51 ટકાના સ્કોર સાથે પહેલા સ્થાને છે. જેમાં ભારતે હાલ ત્રણ સિરીઝ રમી છે અને આ ત્રણેય સિરીઝને પોતાના નામે કરી છે. જોકે ટીમે આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ એક મેચ ડ્રો રમી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક મેચ ઘરે ગુમાવી. જે શક્ય છે કે ભવિષ્યમાં ભારત માટે અવરોધ બને. હાલ ભારતને આમાં ત્રણ વધુ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે તેમાંથી બે સિરીઝ ઘરે છે. દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરેલુ કંડીશનનો ફાયદો ઉઠાવીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.
જો ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયાએ 66.67 તો ભારતે 58.80 ટકા સ્કોર સાથે ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. દરમિયાન 65 ટકા સ્કોરને એક સેફ પોઝિશન માની શકાય છે અને આટલા સ્કોરવાળી ટીમ ફાઈનલમાં સ્થાન બનાવી શકે છે. હાલ ભારતના ખાતામાં 68.51 ટકા સ્કોર છે. જો ભારત અંતિમ સિરીઝ સુધી આટલા જ સ્કોર બનાવીને રાખે તો ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ફાઈનલ રમશે.
બાંગ્લાદેશથી મળશે પહેલો પડકાર
ટીમ ઈન્ડિયાને 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ ઘર આંગણે બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાની છે અને તે બાદ ભારત ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની મેજબાની કરશે. ભારત ગત 12 વર્ષોથી ઘર આંગણે કોઈ સિરીઝ હાર્યું નથી. આ દરમિયાન ટીમે માત્ર ચાર જ ટેસ્ટ ગુમાવી છે. દરમિયાન અટકળો લગાવાઈ રહી છે કે ભારત પોતાના દબદબાને જાળવી રાખતાં પાંચેય ટેસ્ટમાં જીત નોંધાવી શકે છે. ન્યૂઝીલેન્ડનો પડકાર થોડો અઘરો હોઈ શકે છે પરંતુ કીવી ટીમે ભારતમાં અત્યાર સુધી કોઈ ટેસ્ટ સિરીઝ જીતી નથી. દરમિયાન જો ભારત ઘર આંગણે પોતાની પાંચેય ટેસ્ટ જીતવામાં સફળ રહે છે તો તેમના ખાતામાં 79.76 ટકા સ્કોર થઈ જશે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સ્થિતિ શું રહેશે?
જો ભારત ઘર આંગણે પાંચેય ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 2-3થી પણ હારે છે તો તેમના ખાતામાં 69.29 ટકા સ્કોર રહેશે. દરમિયાન તેમના ફાઈનલ રમવાના ચાન્સ વધુ રહેશે. જો ભારત 3 થી વધુ મેચ હારે છે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો ઓસ્ટ્રેલિયા ભારતને 4-1થી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં હરાવે છે તો ટીમ ઈન્ડિયાના ખાતામાં 64.04 ટકા સ્કોર જ રહી જશે. દરમિયાન તેમને બીજી ટીમોના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમની જ જમીન પર ભારત જીતની હેટ્રિક લગાવતાં સિરીઝ પોતાના નામે કરવામાં સફળ રહે છે તો તેમની ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ જશે.
ઓસ્ટ્રેલિયામાં 3-2 થી સિરીઝ જીત્યા બાદ ભારતના ખાતામાં 74.56 ટકા સ્કોર થઈ જશે. 4-1 થી જીત્યા બાદ 79.82 તો 5-0થી જીત્યા બાદ 85.09 ટકા સ્કોર થઈ જશે. જો સિરીઝ 2-2 થી ડ્રો રહે છે તો પણ ભારત સારી સ્થિતિમાં રહેશે. સિરીઝ ડ્રો થવા છતાં ભારતના ખાતામાં 71.05 ટકા સ્કોર રહેશે જે ફાઈનલની ટિકિટ માટે પૂરતો હશે. ભારતને જો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વધુ કેલ્ક્યુલેશન ન કરવી હોય તો સૌથી પહેલા તેમણે ઘરે પાંચેય ટેસ્ટ જીતવી પડશે.