Ahmedabad, તા.10
જેદ્દાહથી અમદાવાદ આવી રહેલી ઇન્ડીગો એરલાઇન્સની ફ્લાઇટમાં ગુજરાતીમાં લખાયેલી એક ચીઠ્ઠીમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા અફડાતફડી સર્જાઇ ગઇ હતી અને સુરક્ષા એજન્સીઓએ તૂર્ત જ એરપોર્ટની તલાસી લેવાનું શરુ કર્યું છે.
બીજી તરફ ઇન્ડીગોની ફ્લાઇટમાં પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ ચીઠ્ઠી ફ્લાઇટની અંદરથી મળી હોવાથી આ ફ્લાઇટમાં આવેલા તમામ મુસાફરોના હેન્ડરાઇટીંગ લેવાઇ રહ્યા છે અને ચીઠીમાં જે લખાણ છે તેની સાથે સેમ્પલીંગ કરવામાં આવશે અને જો તેમાં કોઇ મુસાફરે આ ચીઠ્ઠી લખી હશે તો તૂર્ત જ તેની ઓળખ કરીને આગળની કાર્યવાહી કરાશે.
આ અંગે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડીગોની ફ્લાઇટમાંથી ક્લીનરને આ ચીઠ્ઠી મળી છે અને તૂર્ત જ તેણે સુરક્ષા એજન્સીને જાણ કરી હતી અને પોલીસને પણ જાણ થતાં જ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે અધિકારીઓ અને જવાનો ધસી ગયા હતા.
સમગ્ર એરપોર્ટની ચકાસણી શરુ કરવામાં આવી છે. તેમજ મુસાફરોની પણ ઓળખ નિશ્ચિત કરાઇ રહી છે. આ ઉપરાંત એફએસએલના નિષ્ણાંતોને એરપોર્ટ પર જ બોલાવાયા છે અને ચીઠ્ઠીમાં લખાણ અને કોઇ મુસાફરના હેન્ડરાઇટીંગ જો સમાન થશે તો તેના પર કાર્યવાહી થશે.
સવારે 9-30 કલાકે આ ફ્લાઇટ પહોંચી હતી અને તે સમયે જ ચીઠ્ઠી મળતા મુસાફરોને વિમાની મથક છોડવા દેવાયા ન હતા અને દરેકને હેન્ડરાઇટીંગ સેમ્પલ લેવાઇ રહયા છે. સીઆઇએસએફ પણ સાબદી થઇ ગઇ છે.