Porbandar,તા.13
પોરબંદરના બરડા ડુંગર પર કાનમેરા શીખર પર હોળી પ્રજવલિત થયા બાદ જ આજુબાજુના ગામડાંઓમાં હોળી પ્રજવલિત થાય છે. સૌથી પહેલાં આ હોળી પ્રજવલિત થાય છે અને સ્થાનિક લોકો દર્શન કરી આજુબાજુના ગામડાઓમાં આ સમાચાર આપે છે. એટલે ત્યારબાદ બધા ગામડાઓમાં હોળી પ્રગટે છે. અહીં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં હોળી પ્રગટાવી હોવાની લોકવાયકા છે.
બરડા ડુંગરના શિખર પર થતી કાનમેરા હોળી વિશે શિક્ષક રામ બાપોદરાએ જણાવ્યું હતું કે, ‘એવું કહેવાય છે કે બરડા ડુંગરના શીખર પર પ્રજવલિત થતી કાનમેરા હોળીની જ્વાળાઓના દર્શન છે ક દ્વારકાથી થઈ શકતા હતા. કાનમેરા શીખર બરડા ડુંગરના વેશું અને આભપરા પછીનું સૌથી ઊંચું શીખર છે. એવું કહેવાય છે કે અહીં હજારો વર્ષ પહેલાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી. ત્યારબાદ આજ વર્તમાન સમયમાં પણ આ શીખર પર હોળી પ્રજવલિત કરવામાં આવે છે અને આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં આવતા ગામના વયોવૃદ્ધ વડીલો દ્વારા વિવિધ દુહાઓ અને છેદ બોલવામાં આવે છે. લોકો અહીં રાસ રમે છે.’