મહાભારતના દ્રોણપર્વમાં બાહ્યસુખની કામના કરનાર રાજા સૃંજયની કથા આવે છે. તેને એક પુત્રી હતી. પણ તે પુત્રીથી સંતુષ્ઠ નહોતો. તેને પુત્રની ખ્વાહિશ હતી. તે માનતો કે પુત્ર હોય તો રાજગાદી સંભાળી વૃધ્ધાવસ્થામાં તેને સુખ સુવિધા અને આરામ આપે. સામાન્ય રીતે તેની વાત સાચી પણ હતી. તેણે પુત્ર સુખ માટે વેદજ્ઞા બ્રાહ્મણોની સેવા શરૂ કરી. રાજાની સેવા, દાન અને સન્માનથી સંતુષ્ટ થઈ બ્રાહ્મણોએ દેવર્ષિ નારદને રાજાની ઈચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી. નારદજી રાજા સૃંજયના અતિથિ બન્યા. હવે રાજાને મનગમતું ભરચક સુખ મેળવી લેવાનો લોભ જાગ્યો. બ્રાહ્મણોની વિનંતિથી નારદજીએ પૂછયું ”રાજન, તમારે કેવો પુત્ર જોઈએ છે ?” રાજાની આંખો ચમકી ગઈ. બધું જ માંગી લેવાનો સમય હતો. તેણે કહ્યું, ”દેવર્ષિ, મારે એવો પુત્ર જોઈએ છે જે અતિ સુંદર હોય, તંદુરસ્ત હોય, ગુણવાન હોય…” રાજાને બોલતાં વચ્ચેથી અટકાવી નારદજીએ કહ્યું – ”બસ ! બીજું કંઈ જોઈએ છે ?” રાજાએ કહ્યું – ”દેવર્ષિ, એ બધું તો ઠીક !! મારે એવો પુત્ર જોઈએ છે જેનું થૂંક, કફ, મળ-મૂત્ર પણ સોનાના હોય !!” દેવર્ષિએ રાજાની આંખોમાં બાહ્યસુખનાં સાપોલિયાં રમતાં જોયાં. દેવર્ષિ નારદ ‘એવમસ્તુ’ કહી વિદાય થયા. પુત્રનો જન્મ થયો. તેનું નામ સુવર્ણષ્ઠીવી પાડયું. હવે રાજાના વૈભવનો પાર ન હોતો. રાજભવનની બધી વસ્તુઓ-વાસણો, ઝુમ્મર, ગાલીચા, આસન, સિંહાસન, મોભ, ઈસો-બધ્ધું સોનાનું થઈ ગયું. સુવર્ણષ્ઠીવીના આ સમાચાર ચારેબાજુ ફેલાઈ ગયા. દસ્યુઓને (ચોર-લૂંટારા) આ વાતની જાણ થઈ. એક દિવસ તેઓ સુવર્ણષ્ઠીવીનું અપહરણ કરી ગયા. જંગલમાં તેને રાખ્યો. સોનાના ભાગ પાડવામાં દસ્યુઓમાં વાદ-વિવાદ થયો. ઝઘડો વધી ગયો. રાજકુમારને વધુ સમય જીવતો રાખવો જોખમ હતું. તેમણે રાજકુમારને મારીને તેના ટુકડા કરી નાખ્યા. મુર્ખ દસ્યુઓને રત્તીભાર સોનું ના મળ્યું. અતિ સુખ-સુવિધાની શોધમાં રહેતા રાજા સૃંજયને છેવટે પુત્ર-શોક સહન કરવો પડયો. આવું માઠું પરિણામ જોયા પછી તેને ભાન થયું કે સુખની શોધ પાછળ જીવન વેડફવાથી શાંતિ મળતી નથી.
આવી જ કથા શ્રીમદ્ભાગવતના નવમા સ્કંધમાં રાજા યયતિની છે. તે ઘરડો થયો પણ તેની કામ વાસના શાંત ના થઈ. શુક્રાચાર્યએ કહ્યું ”જે પોતાની મરજીથી ખુશ થઈને પોતાની યુવાની તને આપશે તેના બદલે તું તારી વૃધ્ધાવસ્થા બદલી શકશે.” એના પુત્રએ પોતાની યુવાની આપી. અનેક વર્ષો થયાં પણ યયાતિની વાસના તૃપ્ત ના થઈ. છેવટે તેણે કહ્યું – ”ન જાતુ કામ : કામાનામુપભોગે સમ્પતિ (૯.૧૯.૧૪) વિષયોને ભોગવવાથી કામવાસના ક્યારેય શાંત થતી નથી.”
રાજા સૃંજયને સુખ સુવિધા અને આરામ માટે લૌકિક સુખ જોઈતું હતું. યયાતિને જીવનભર દૈહિક સુખ જોઈતું હતું. આપણે પણ યેન કેન પ્રકારેણ સુખ જ શોધ્યા કરીએ છીએ હા, સુખ ગમે છે. સુખ આહ્લાદક લાગે છે. જીવ-ને સ્થિરતા આપે છે, ચેન આપે છે. સુખની પળો વાગોળવી ગમે છે. બસ, ત્યાં સુધી બરાબર છે. સુખની પાછળ પડવું ખોટું છે. દિવસ-રાત તેની શોધમાં ઊંઘ ઊડાડવી ખોટું છે જે છે તેને માણવાનો પણ સમય ના મળે અને સુખ પાછળ દોડયા કરી એ એ ખોટું છે. આપણે ઈન્દ્રિયો દ્વારા અનુભવાતા સુખને જ સાચું સુખ સમજીએ છીએ, જે સુખ આપણે મેળવીએ છીએ એ મેળવતી વખતે જેટલું આહલાદક લાગે છે એવું એની પછીની ક્ષણે લાગતું નથી. ભૂખ લાગી હોય ત્યારે ભોજન સ્વાદિષ્ટ લાગે છે. એક એક કોળિયો ભરતાં મન રોમાંચ અનુભવે છે. જો આપણા સુખનું કારણ સ્વાદિષ્ટ ભોજન હોય તો જેમ જેમ ખાતાં જઈએ તેમ તેમ સુખ વધવું જોઈએ. પણ એવું થતું નથી. જો ખા ખા કરીએ તો એ જ ભોજન અકારૃં લાગે છે. પીડારૂપ લાગે છે, અને જો ભોજન લેવાનું બંધ જ ના કરીએ તો મૃત્યુ પણ આવી શકે છે. આ સાવ સાદું રહસ્ય આપણને સમજાઈ જવું જોઈએ. એના માટે શાસ્ત્રજ્ઞાાન, તર્કશક્તિ કે તપની જરૂર નથી. શાંત ભાવે ઈન્દ્રિયોની દાનતનું અવલોકન કરવાની જરૂર છે. સાચી વાત એ છે કે વસ્તુના અભાવથી થતું દુ:ખ એ વસ્તુ મળ્યા પછી પણ દૂર થતું નથી. કારણ કે હજુ સુધી આપણને સાચા સુખની ખબર જ નથી.
સામાન્ય માણસ જેની ફક્ત કલ્પના જ કરી શકે એવું અમાપ સુખ મહાવીર અને બુધ્ધના જીવનમાં હતું. છતાં તેઓ રાજમહેલ અને પરિવાર છોડીને નીકળી પડયા હતા. તે સુખ નહિ શાંતિની શોધમાં હતા. તેમનામાં સત્યની જિજ્ઞાાસા જાગી હતી તેમને લાગતું હતું કે બધી જ અનુકુળતા હોવા છતાં જે જીવન જીવાઈ રહ્યું હતું તે અર્થહીન અને પ્રયોજનહીન હતું. અમેરિકાના કરોડપતિ (ખર્વનિખર્વપતિ) જ્હોન જેકલ એસ્ટરે છેલ્લા દિવસોમાં કહ્યું હતું. ‘સુખની શોધ કરતાં કરતાં જીવન પતવા આવ્યું. પણ શાંતિ મળી નહિ. મને લાગે છે હું આટલી મોટી મિલકતના વહીવટદાર તરીકે મજૂરી જ કરી રહ્યો છું.’
સુખ શોધનારનું મન એશો-આરામના ખજાનામાં છુપાયેલું રહે છે જ્યારે શાંતિ શોધકનું મન સુખ-દુ:ખમાંથી ખંસી જવામાં રોકાયેલું છે. સુખની શોધકરનાર ઈન્દ્રિયોની એકવાર ઓળખ થઈ જાય, તેમનાં મલિન ઈરાદાની જાણ થઈ જાય તો તેમની ઈચ્છાનું અધિકારપણું વધતું અટકી જાય છે.
જેને તરસ લાગે તે પરબ શોધે એ સમજાય તેવી વાત છે. પણ પાણી પીને ધરાયેલો માણસ માથે બે બેડાં ઊંચકીને દિવસ-રાત ફર્યા કરે તો તેને શાંતિ ક્યાંથી મળે ?