Prayagraj,તા.4
ધી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહાકુંભના પાંચ દિવસીય પ્રવાસે આવી ચૂકયા છે. સેકટર 8 સ્થિત ફાઉન્ડેશનની શિબિરમાં તેમણે સરકાર તરફથી કુંભમેળા માટે વ્યવસ્થા મૌની અમાસે સંગમ પર થયેલી દુર્ઘટના, બાગેશ્વર ધામના બાબાએ દુર્ઘટનામાં મૃતકોને લઈને આપેલા વિવાદી નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી.
શ્રીશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, 80ની દાયકાથી હું અહીં કુંભમાં આવી રહ્યો છું. આવી વ્યવસ્થા મેં અગાઉ કયારેય જોઈ નથી. અદભુત વ્યવસ્થા કરાઈ છે. ગંગાનું પાણી પહેલા પણ કયારેય આટલુ સ્વચ્છ નહોતું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મેળાનો વિસ્તાર કરવો સારું છે, આપ જેટલું પણ પગપાળા ચાલો.
શ્રીશ્રીએ મૌની અમાસે સંગમ નોઝ પર થયેલી દુર્ઘટનાના બારામાં જણાવ્યું હતું કે, વહીવટ તંત્રે સાવધાની રાખવી જોઈતી હતી. જનતાએ પણ સહયોગ કરવો જરૂરી હતો. માત્ર સંગમ પર જ ફોકસ નહોતું કરવું જોઈતું. સંગમનો 15 કિલોમીટરનો વિસ્તાર હોય છે. આપ જયાં પણ સ્નાન કરો, ત્યાં પુણ્ય મળી જાય છે. હું જનતાને આ અપીલ સતત કરી રહ્યો છું.
દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોવાના મુદ્દે શ્રીશ્રીએ કહ્યું હતું કે, કાવતરાનો પતો તો તપાસ એજન્સી લગાવશે પણ સરકારે સ્નાનને લઈને જે દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા તેનું જનતાએ પાલન કરવું જોઈએ.
આ દુર્ઘટનાથી મહાકુંભ પર કલંક લાગ્યું છે? તેવા પ્રશ્નના જવાબમાં શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે, કલંક જેવું કંઈ નથી હોતું. સીએમ યોગીએ મહાકુંભને લઈને ઘણું સારું કામ કર્યું છે.
બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રીએ મૃતકોના મોક્ષવાળા વિવાદી નિવેદનના બારામાં પ્રતિક્રિયા આપી હતી કે, સંત સંવેદનશીલ હોય છે. મારું માનવું છે કે તેમનો ભાવ ખોટો નહોતો પણ કહેવાની રીત સારી કે ખરાબ હોઈ શકે છે.
મહાકુંભને લઈને પોતાનો સંદેશ આપતા શ્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં આવીને કોઈપણ અનેકતામાં એકતા અને એકતામાં અનેકતાના દર્શન કરી શકે છે. મથુરા, કાશી વિશ્વનાથ મુદે શ્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ માટે વાતચીત જ સૌથી સારો વિકલ્પ છે.