New Delhi,તા.06
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને હાથ-પગમાં બેડી અને 15 કલાકથી વધુની લશ્કરી વિમાનમાં સફર સાથે અમાનવીય હાલતમાં પરત મોકલવાના અમેરિકાના કૃત્ય સામે સંસદ સહિત દેશભરમાં સર્જાયેલા આઘાત અને વિરોધના મોજા પર ઠંડું પાણી રેડી દેતા વિદેશમંત્રી એસ.જયશંકરે રાજયસભામાં વિપક્ષના પ્રશ્નોનો જવાબ વાળતા કહ્યું હતું કે, અમેરિકા આ રીતેજ ગેરકાનુની વસાહતીઓને પરત મોકલે છે. તેમાં કંઈ નવું નથી.
તેઓએ જણાવ્યું કે, અમેરિકાએ તેના કાનૂન મુજબ કર્યુ છે. હાથકડી પહેરાવવી એ અમેરિકી પોલીસી મુજબ કાનૂની છે અને ભારતે આ ગેરકાનુની વસાહતીઓને પરત લેવાના જ હતા. શ્રી જયશંકરે કહ્યું કે વિશ્વમાં દરેક દેશ અન્ય દેશમાં તેના જે નાગરિકો ગેરકાનુની રીતે ઘુસે છે તેને પરત સ્વીકારવા જ પડે છે.
શ્રી જયશંકરે કહ્યું કે, બાઈડન તંત્રએ પણ આ રીતે 1100 ભારતીયોને પરત મોકલ્યા હતા. દરેક દેશ તેને ત્યાં વસતા વિદેશીઓની રાષ્ટ્રીયતા ચકાસે છે અને માન્ય દસ્તાવેજો હોય તો જ તેમને સ્વીકારે છે. જો કે બાદમાં તેઓએ કહ્યું કે, અમો અમેરિકા સરકાર સાથે વાતચીત કરીને તેઓ સાથે કોઈ દુવ્યવહાર થાય નહી તે નિશ્ચિત કરશું.
જો કે તેઓએ કહ્યું કે, જે માનવ તસ્કરી ચાલે છે તેની સામેના પગલાથી આપણે પ્રશંસા કરવી જોઈએ અને જે લોકો પરત આવ્યા છે તેઓ જે માહિતી આપે તેના પરથી ગેરકાનુની રીતે માનવ તસ્કરી કરતા એજન્ટો સામે કાયદા પાલન કરાવનાર એજન્સી કાર્યવાહી કરશે. વિદેશમંત્રીએ કહ્યું કે મહિલા-બાળકોને બેડી પહેરાવાઈ હતી તેથી અમોને માહિતી આપવામાં આવી છે.