Nagpur,તા.૧૮
મહારાષ્ટ્રનું નાગપુર સોમવારે રાત્રે કોમી રમખાણોની આગમાં લપેટાઈ ગયું હતું. નાગપુર સેન્ટ્રલ અને પછી ઓલ્ડ ભંડારા રોડ નજીક હંસપુરી વિસ્તારમાં ભારે હિંસા થઈ હતી. સેંકડો તોફાનીઓના ટોળાએ આ વિસ્તારમાં અનેક વાહનો સળગાવી દીધા અને ઘરોમાં તોડફોડ કરી. આ ઘટના બાદ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. દરમિયાન, પોલીસ કાર્યવાહી ચાલુ છે. બીજી તરફ, નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા પર શિવસેના યુબીટી નેતા સંજય રાઉતનું પહેલું નિવેદન સામે આવ્યું છે.
નાગપુર હિંસા પર શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું- “નાગપુરમાં હિંસા થવાનું કોઈ કારણ નથી. આ તે જગ્યા છે જ્યાં આરએસએસનું મુખ્ય મથક છે. તે સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મતવિસ્તાર પણ છે. ત્યાં હિંસા ફેલાવવાની હિંમત કોણ કરી શકે? આ હિન્દુઓને ડરાવવાનો, તેમના પોતાના લોકોને તેમના પર હુમલો કરાવવાનો અને પછી તેમને ઉશ્કેરવાનો અને રમખાણોમાં સામેલ કરવાનો એક નવો રસ્તો છે
નાગપુરમાં થયેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે, “નાગપુરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં અને શાંતિપૂર્ણ છે. ૫૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. અમે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓની ઓળખ કરી રહ્યા છીએ. આ ઘટનામાં ૩૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે સારું કામ કર્યું છે. જે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાયદો તોડનારાઓ સામે તમામ સંબંધિત કલમો લાગુ કરવામાં આવશે. નાગપુરમાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત છે. નાગપુરના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આવી ઘટના ફરી ન બને તે માટે સંબંધિત લોકો સાથે બેઠક યોજવામાં આવશે.