મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાન ભથ્થું માંગતા High Court ના જજનું પણ મગજ છટકી ગયું

Share:

Karnataka,તા.22

કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. આ વચ્ચે વધુ એક કોર્ટની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્ટમાં મહિલાનો વકીલ મહિલાના પતિ પાસે 6 લાખ રૂપિયાનું માસિક ગુજરાન ભથ્થું અપાવવા માટે દલીલ કરી રહ્યો છે. મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાન ભથ્થું માંગતા હાઈકોર્ટના જજનું પણ મગજ છટકી ગયું. આટલી મોટી રકમ માગતા જ જજ પણ મહિલા પર ભડકી ગયા અને કહ્યું કે, તમને આટલી મોટી રકમ ખર્ચ કરવાનો શોખ છે તો જાતે કમાઈ લો. સમગ્ર ખર્ચની વિગતો આપતા મહિલાના વકીલે જણાવ્યું કે, તે દર મહિને 6 લાખ રૂપિયાથી વધુની રકમ ક્યાં-ક્યાં ખર્ચવા માંગે છે. આ ઉપરાંત આ રકમ પતિને આપવાનો આદેશ આપવામાં આવે, કારણ કે તેની સારી આવક છે.

જાતે કમાઈ લો..

આ મામલે સુનાવણી કરતાં કર્ણાટક હાઈકોર્ટના જજે કહ્યું કે, આવી માગ ગેરવાજબી છે. તેમ છતાં જો મહિલાને આટલો ખર્ચ કરવાનો શોખ હોય તો તે પોતે પણ કમાઈ શકે છે. ખર્ચની ગણતરી કરતાં મહિલાના વકીલે કહ્યું કે, દર મહિને જૂતા, સેન્ડલ અને કપડાં માટે 15,000 રૂપિયાની જરૂર પડે છે. આ ઉપરાંત ઘરના ભોજન પાછળ દર મહિને 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે. મહિલાને ઘૂંટણમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે માસિક રૂ. 4 થી 5 લાખનો ખર્ચ થાય છે. અમુક ખર્ચ બહાર ખાવા, દવાઓ અને અન્ય વસ્તુઓ પર થાય છે. આમ કુલ બજેટ દર મહિને 6 લાખ 16 હજાર રૂપિયા થાય છે.

આ કોર્ટની કાર્યવાહીનો દુરુપયોગ

આવી માંગ પર જજ ભડકી ગયા અને તેમણે કહ્યું કે, આ તો કોર્ટની કાર્યવાહીનો પણ દુરુપયોગ છે. તેમણે કહ્યું કે જો તે આટલો ખર્ચ કરવા માગે તો તે જાતે કમાઈ પણ શકે છે. કૃપા કરીને કોર્ટને તમે ન જણાવો કે, માણસની શું-શું જરૂરત છે. શું તે આટલી મોટી રકમ ખર્ચે છે? તે પણ એક મહિલા પોતાની પાછળ આટલો ખર્ચ કરશે. જો તેએ આટલો જ ખર્ચ કરવો હોય તો તે જાતે પણ કમાઈ શકે છે. પતિ પાસેથી જ જોઈએ? તમારા પર કોઈ બીજી જવાબદારી પણ નથી. તમારે બાળકોનો પણ ઉછેર નથી કરવાનો. તમને તમારા માટે જ બધું જોઈએ છે. સાચી વાત કહેવી જ જોઈએ.

વ્યાજબી માસિક ખર્ચની માંગ કરો

એટલું જ નહીં જજે મહિલાના વકીલને કહ્યું કે, બીજી વખત સાચી દલીલો સાથે આવજો. વ્યાજબી માસિક ખર્ચની માંગ કરો અન્યથા અરજી જ ફગાવી દેવામાં આવશે. આ મામલો છે રાધા મુનકુન્તલા નામની મહિલાનો છે, જેની સુનાવણી 20મી ઓગસ્ટના રોજ હતી. આ મામલેગત વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુની ફેમિલી કોર્ટે 50 હજાર રૂપિયા પ્રતિ માસ ગુજરાન ભથ્થું નક્કી કર્યું હતું. આ અંગે મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી. તેણે કહ્યું કે, ફેમિલી કોર્ટે મારા પતિની કમાણી પર ધ્યાન નથી આપ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *