Ahmedabad,તા.15
દિલ્હી પોલીસે એક ગુજરાતી પેસેન્જરની બેગમાંથી અઢી હજાર ડોલર કેશની ચોરી કરનારા બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ગૌરવ કુમાર અને પ્રકાશ ચંદ તરીકે કરવામાં આવી છે જેઓ દિલ્હી એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા.
અમેરિકાની સિટીઝનશિપ ધરાવતા રોશન પટેલ નામના એક ગુજરાતીએ પોતાના સામાનમાંથી અઢી હજાર ડોલર ચોરાયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં ગૌરવ અને પ્રકાશ સામે પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદી રોશન પટેલ અમેરિકાથી દિલ્હી આવ્યાં હતાં, પરંતુ તેમની ગ્રીન કેમોફ્લેગ બેગ મિસિંગ હતી, જેમાં અઢી હજાર ડોલર કેશ તેમજ અન્ય અંગત વસ્તુઓ હતી. આ બેગને CISF દ્વારા લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી કેશ ગુમ હતા તેવું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.
આ અંગે ફરિયાદ મળ્યા બાદ પોલીસે એરપોર્ટના સીસીટીવી ફુટેજનું એનાલિસિસ શરૂ કર્યું હતું, જેમાં એ વાત કન્ફર્મ થઈ હતી કે બેગ સાથે ટર્મિનલમાં કોઈ છેડછાડ નહોતી કરવામાં આવી, ત્યારબાદ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં તેમાં રહેલો સામાન કાઢવામાં આવ્યો હતો કે કેમ તેની તપાસ કરાઈ હતી જેમાં આ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા બે લોકોએ કેશ કાઢી લીધી હોવાના પુરાવા મળ્યા હતા.
પોલીસે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કર્યા બાદ આખરે ગૌરવ કુમાર અને પ્રકાશ ચંદની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં બંને આરોપીઓએ પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો પરંતુ જ્યારે તેમને સીસીટીવી ફુટેજ બતાવવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.