Bhavnagar,તા.13
પાલિતાણા તાલુકાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી યુવતીને મારમારી યુવતીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધાં અંગેના ચકચારી બનાવ અંગે યુવતીના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અન્ય જ્ઞાતિમાં પ્રેમ સંબંધ હોવાથી બાપે દિકરીની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટનાની મળતી વિગતો પ્રમાણે પાલિતાણા તાલુકાના રાણપરડા ગામના જલ્પાબેન દિપકભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) નામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના પરિવારને થતાં ગત તા.૭મી માર્ચના રોજ સવારે ૭ થી ૮ કલાકના અરસામાં યુવતીના ઘરે તેણી કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડે જાપટ અને મારમારી તથા યુવતીના પિતા દિપક ધીરૂભાઈ રાઠોડે તેમની દિકરીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને બાદમાં યુવતીના મૃતદેહને રાણપરડા ગામના સ્મશાનમાં સળગાવી દીધો હતો. બનાવ અંગે યુવતીના નાના પોપટભાઈ મનજીભાઈ ગોહિલ (રહે.સાંઢખાખરા, તા.ગારિયાધાર)એ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં દિપક ધીરૂભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાલિતાણા ગ્રામ્ય પોલીસે હત્યા, પુરાવાના નાશ કરવા, મારમારવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.