Rajkot:કાંગશિયાળીની સોસાયટીના પ્રમુખે મેન્ટેનન્સના રૂ. 1.77 કરોડની ઠગાઈ આચરી

Share:

ખાનગી શાળાના શિક્ષક એ શેરબજારમાં રોકાણ કરી નાણાં ગુમાવી દેતા શાપર પોલીસમાં ફરિયાદ

Rajkot,તા.૧૯
કાંગશિયાળીમાં આવેલી સ્થાપત્ય ગ્રીનસિટી નામની સોસાયટીના પ્રમુખે સોસાયટીના મેન્ટેનન્સના રૂ.1.77 કરોડ બારોબાર શેરબજારમાં રોકી તમામ નાણાં ગુમાવી છેતરપિંડી આચરી હતી. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
સ્થાપત્ય ગ્રીનસિટીમાં રહેતા અને રાજકોટમાં ઉમિયા ચોકમાં હાર્ડવેરની દુકાન ધરાવતાં કેતનભાઇ રામજીભાઇ પટેલે (ઉ.વ.38) શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્થાપત્ય ગ્રીનસિટીના પ્રમુખ અને રાજકોટમાં બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જીજ્ઞેશ ધનજી વઘાસિયાનું નામ આપ્યું હતું. કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્થાપત્ય ગ્રીનસિટીમાં એથી એફ સુધીની 6 બિલ્ડિંગ છે. દરેક વિંગમાં 28 ફ્લેટ છે અને સોસાયટીમાં કુલ 168 ફ્લેટ આવેલા છે. તમામ ફ્લેટધારકો પાસેથી બિલ્ડરોએ સોસાયટીની લાઇટ, પાણી, સફાઇ સહિતના કામોના મેન્ટેનન્સ માટે ફ્લેટ વેચતી વખતે જ ફ્લેટની કેટેગરી મુજબ અલગ અલગ રકમ ઉઘરાવી હતી અને તે મુજબ કુલ રૂ.1.77 કરોડ એકઠા થયા હતા અને તે રકમ સોસાયટીના નામે એક બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.
સોસાયટીના મુખ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશ ધનજી વઘાસિયા, મુખ્ય ઉપપ્રમુખ તરીકે કેતનભાઇ પટેલની નિમણૂક થઇ હતી. મેન્ટેનન્સની રકમ ઉપાડવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ત્રણમાંથી બે વ્યક્તિની સહી થાય ત્યારે જ રકમ ઉપડી શકે તેવા કરાર થયા હતા. પ્રમુખ જીજ્ઞેશ વઘાસિયા, લાઇટ-પાણી અને સફાઇ કામદારોને રકમ ચૂકવવાના બહાને કેતનભાઇ પાસેથી અલગ અલગ સમયે દશથી વધુ કોરા ચેકમાં સહી કરાવી ગયો હતો.
ત્યારબાદ છેલ્લા ત્રણ મહિનાથી લાઇટ બિલ ભરપાઇ નહીં થતાં સોસાયટીના રહીશોને શંકા ઊઠી હતી અને આ મામલે પ્રમુખ જીજ્ઞેશ વઘાસિયાને પૂછતાં તેણે અલગ અલગ બહાના કાઢ્યા હતા અને બિલ ભરપાઇ કરી દેશે તેવી વાતો કરતો હતો, પરંતુ બિલ ચૂકવ્યું નહોતું.
પ્રમુખ જીજ્ઞેશ વઘાસિયાની વાત શંકાસ્પદ લાગતાં સોસાયટીના રહીશોએ રાજકોટમાં આવેલી બેંકે જઇ સોસાયટીના બેંક એકાઉન્ટની તપાસ કરતાં બેંકમાં સોસાયટીના નામે એકપણ રૂપિયો નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ વાત સાંભળી સોસાયટીના રહીશોએ જીજ્ઞેશની પૃચ્છા કરતાં તેણે કહ્યું હતું કે, ઉપપ્રમુખ કેતન પટેલની સહી કરાવ્યા બાદ તે ચેકમાં રકમ ભરી બેંકમાંથી સમયાંતરે રૂ.1.77 કરોડ ઉપાડી લીધા હતા અને તેનું શેરબજારમાં રોકાણ કર્યું હતું,  શાપર પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જીજ્ઞેશ વઘાસિયાની શોધખોળ શરૂ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *