Current Financial Year ના જૂન ત્રિમાસિકમાં કંપનીઓની કામગીરી કોરોના બાદ સૌથી નબળી

Share:

Mumbai,તા.20

કોરોનાના કાળ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારતીય કંપનીઓની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના અત્યારસુધીમાં જાહેર થયેલા પરિણામો પર નજર નાખતા જણાય છે કે, કંપનીઓના નફામાં ૩ ટકા ઘટાડો થયો છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૩૦ ટકા વધ્યો હતો. એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલી  પરિણામોની એનાલિસિસમાં ૨૫૪૦ કંપનીઓના જૂન ત્રિમાસિકમાં વેચાણ આંક રૂપિયા ૨૨.૯૦ લાખ કરોડ રહ્યો છે જે ગત નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં થયેલા ૨૧.૭૦ લાખ કરોડના વેચાણની સરખામણીએ પાંચ ટકા વધુ છે.

ખર્ચ રૂપિયા ૧૮.૫૦ લાખ કરોડની સરખામણીએ ૬ ટકાથી વધુ વધી રૂપિયા ૧૯.૬૦ લાખ કરોડ થયો છે. આ કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૩ ટકા જેટલો ઘટી રૂપિયા ૧.૯૦ લાખ કરોડ રહ્યાનું પણ પેઢી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.

નાણાંકીય ક્ષેત્રની કંપનીઓની કામગીરીને રિપોર્ટમાં આવરી લેવાઈ નથી.

રેપો રેટમાં સ્થિરતા અને કાચા માલના ખર્ચમાં ઘટાડો છતાં કંપનીઓનો નફો દબાણ હેઠળ આવી ગયાનું જોવા મળે છે. વેચાણ વૃદ્ધિ મંદ રહેવાને કારણે નફા પર અસર જોવા મળી છે. વેચાણ વૃદ્ધિ ગત ત્રિમાસિકમાં એક અંકમાં રહી હતી.

હીટવેવ્સ તથા લોકસભાની ચૂંટણીને કારણે સિમેન્ટ, સ્ટીલ જેવી કંપનીઓનું કામકાજ નબળું  રહ્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે દેશમાં માળખાકીય ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી હતી.

વેચાણમાં મંદ વૃદ્ધિને જોતા વર્તમાન નાણાં વર્ષના આર્થિક વિકાસ દર પર તેની અસર જોવા મળી શકે છે.

જો કે હીટવેવ્સને કારણે ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રની કંપનીઓના વેચાણમાં વધારો જોવાયો હતો. દેશમાં વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેતા તેનો પણ એફએમસીજી કંપનીઓને લાભ થવા વકી છે.

નફામાં ઘટાડો છતાં કંપનીઓના લોન રિપેમેન્ટસ પર ખાસ અસર જોવા નહીં મળે કારકે ગત ત્રિમાસિક ગાળામાં બોરોઈંગ્સ પણ નીચું રહ્યું હતું એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ખનિજ હક્કો અને ખનિજ ધરાવતી જમીનો પર ટેકસ લાગુ કરવાના રાજ્યોના અધિકારને સુપ્રીમ કોર્ટની માન્યતાને પરિણામે દેશના માઈનિંગ ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓ પર દોઢથી પોણાબે લાખ કરોડ રૂપિયાનો બોજ આવવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે માઈનિંગ ઉદ્યોગ પર નાણાંકીય બોજમાં વધારો થશે. ખનિજ હક્કો તથા ખનિજ ધરાવતી જમીનો પર ૧લી એપ્રિલ ૨૦૦૫ની પાછલી તારીખથી રાજ્યો ટેકસ વસૂલી શકશે.

માઈનિંગ, સ્ટીલ, વીજ તથા કોલસા ક્ષેત્રમાં પ્રવૃત્ત કંપનીઓ પર આ ચુકાદાની ગંભીર નાણાંકીય અસર પડશે એમ માઈનિંગ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. જાહેર ક્ષેત્રની કંપનીઓની જવાબદારી રૂપિયા ૭૦થી ૮૦ હજાર કરોડ જેટલી જોવા મળવા અંદાજ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *