Turkey,તા.31
તૂર્કીમાં રસ્તા પર રખડતાં કૂતરાઓની કુલ વસતી લગભગ 40 લાખ છે. રખડતાં કૂતરાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે નાગરિકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે અને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તૂર્કીની સરકારે તેનાથી છૂટકારો મેળવવા માટે એક કાયદો બનાવ્યો છે જેના કારણે દેશના રસ્તા પર ઉગ્ર દેખાવો શરુ થઈ ગયા છે.
રખડતાં કૂતરાઓને મારી નાખવામાં આવશે?
તૂર્કીના ધારાસભ્યોએ દેશના રસ્તા પરથી લાખો કૂતરાઓને હટાવી દેવા માટે બનાવવામાં આવેલા કાયદાને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ હવે પશુ-પ્રેમીઓને ડર છે કે, તે દ્વારા કૂતરાઓને મારી નાખવામાં આવશે અથવા તેઓને નિર્જન સ્થળ પર છોડી દેવામાં આવશે.
તૂર્કીમાં કૂતરા માટે નિયમ, ‘ક્રૂર કાયદા’નો વિરોધ
તૂર્કીની ગ્રાન્ડ નેશનલ ઍસેમ્બ્લીના પ્રતિનિધિઓએ મંગળવારે એક લાંબા સત્રમાં ચર્ચા બાદ કૂતરા અંગેના કાયદાને મંજૂરી આપી દીધી હતી. સરકારે ઉનાળાની રજાઓ પહેલાં જ તેને પાસ કરવા પર ભાર મૂક્યો હતો. તૂર્કીમાં આ પ્રકારનો કાયદો બનતાની સાથે જ હજારો લોકો તેની વિરુદ્ધમાં આવી ગયા છે અને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કાયદાની જે કલમ જણાવે છે કે રખડતાં પ્રાણીઓને મારવાની છૂટ આપવામાં આવશે તેને નાબૂદ કરવામાં આવે. વિપક્ષી સાંસદો, પશુ કલ્યાણ જૂથો અને અન્ય લોકોએ આ બિલને ‘ક્રૂર કાયદો’ ગણાવ્યો છે.
રાષ્ટ્રપતિએ કાયદો બનાવવા બદલ તમામનો આભાર માન્યો
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાની સત્તારુઢ પાર્ટી અને સાથી પક્ષના પ્રતિનિધિઓનો આભાર માન્યો, જેમણે લાંબા અને ઊંડા વિચાર-વિમર્શ બાદ કાયદો બનાવવામાં મદદ કરી. તેમણે કહ્યું કે, વિપક્ષની ઉશ્કેરણી અને જૂઠ તથા વિકૃતિઓ પર આધારિત અભિયાનો છતાં, નેશનલ ઍસેમ્બ્લીએ ફરી એકવાર લોકોની વાત સાંભળી, મૌન બહુમતીની બાબતને અવગણવાનો ઇન્કાર કરી દીધો.
તૂર્કીમાં 40 લાખ રખડતાં કૂતરા
સરકારને અંદાજ છે કે તૂર્કીના રસ્તા અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ 40 લાખ રખડતાં કૂતરા ફરી રહ્યા છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં કૂતરાઓ એકસાથે રહે છે, ત્યારે લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે. કૂતરા ક્યારેક ટોળામાં ભેગા થઈ લોકો પર હુમલો પણ કરે છે.
લોકો કરી રહ્યા છે વિરોધ
તૂર્કીના મુખ્ય વિપક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને રદ કરવાની માંગ કરીશું. રિપબ્લિકન પીપલ્સ પાર્ટી અથવા સીએચપીના વરિષ્ઠ ડેપ્યુટી મુરત અમીરે રવિવારે સંસદમાં કહ્યું હતું કે, તમે એક એવો કાયદો ઘડ્યો છે જે નૈતિક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે તૂટેલો છે. તમે તમારા હાથ લોહીથી ન ધોઈ શકો. તેમણે સવાલ કર્યો કે જો તેમને મારવાના નહોતા તો બિલમાં તંદુરસ્ત અને આક્રમક પ્રાણીઓને એકત્ર કરવાનું શા માટે કહેવામાં આવ્યું છે. અન્ય લોકોએ રખડતાં કૂતરાઓની વસ્તીમાં વધારા માટે અગાઉના નિયમોના અમલમાં મળેલી નિષ્ફળતાને દોષી ઠેરવેલ છે. જેમાં રખડતાં કૂતરાઓને પકડવા, નસબંધી કરવી અને તેને ત્યાં જ પાછા છોડવાના હતા જ્યાં તે મળી આવ્યા હતા.