Ahmedabad, તા.૨૫
આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, “આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) તમામ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં અતિભારે વરસાદ થઈ શકે છે.” આ સાથે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
૨૬મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
૨૭મી ઓગસ્ટના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે, આ સિવાયના ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
૨૮મી ઓગસ્ટે પણ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
૨૯મી ઓગસ્ટે ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ૩૦મી ઓગસ્ટે બનાસકાંઠા, અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ૩૦ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે પણ ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
રામાશ્રય યાદવે ગુજરાતના વરસાદની વાત કરીને શનિવારે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વ તથા ઉત્તરપ્રદેશના દક્ષિણ-પૂર્વમાં જે લો પ્રેશર બનેલું છે જે ૨૬મી ઓગસ્ટે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તે પછી ૨૭મીએ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા ભાગો પ્રવેશ કરશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે અને અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવનાઓ છે.