ઋણ બજારમાં FPIનો ઈન્ફલો વર્તમાન વર્ષમાં રૂપિયા એક લાખ કરોડથી વધુ

Share:

Mumbai,તા.30 

ભારતના ઋણ બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ)નું ઈન્વેસ્ટમેન્ટસ ૨૦૨૪માં અત્યારસુધીમાં  રૂપિયા એક લાખ કરોડના આંકને વટાવી ગયું છે. વર્તમાન મહિનામાં અત્યારસુધી રૂપિયા ૧૧૩૬૬ કરોડ ઠાલવ્યા છે.

૨૦૨૩ના વર્ષમાં વિદેશી રોકાણકારોએ ઋણ સાધનોમાં રૂપિયા ૭૧૮૬૦.૧૮ કરોડ ઠાલવ્યા હતા.

જેપી મોર્ગનના બોન્ડ ઈન્ડેકસમાં ભારત સરકારના બોન્ડસનો સમાવેશ થવા સાથે વિદેશી રોકાણકારોનો ભારતીય બોન્ડસમાં રસ વધ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે, વર્તમાન મહિનામાં ૨૪ ઓગસ્ટ સુધીમાં એફપીઆઈએ દેશની ડેબ્ટ માર્કેટમાં રૂપિયા ૧૧૩૬૬ કરોડ ઠાલવ્યા છે.

જુલાઈમાં આ આંક નેટ રૂપિયા ૨૨૩૬૩ કરોડ રહ્યો હતો જ્યારે જૂનમાં રૂપિયા ૧૪૯૫૫ કરોડ ઠલવાયા હતા. જો કે એપ્રિલમાં રૂપિયા ૧૦૯૪૯ કરોડ પાછા ખેંચાયા હતા.

જુલાઈના ઈન્ફલોસ સાથે ભારતીય ડેબ્ટ માર્કટમાં એફપીઆઈસનું વર્તમાન વર્ષમાં નેટ ઈન્વેસ્ટમેન્ટસ રૂપિયા એક લાખ કરોડને પાર કરી રૂપિયા ૧.૦૨ ટ્રિલિયન પહોંચી ગયું છે.

ગયા વર્ષના ઓકટોબરમાં જેપી મોર્ગને ભારત સરકારના બોન્ડસને પોતાના બોન્ડ ઈન્ડેકસમાં સમાવી લેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારી બોન્ડસમાં એફપીઆઈના આકર્ષણમાં વધારો થયો છે.

દરમિયાન વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસમાંથી રૂપિયા ૧૬૩૦૫ કરોડ પાછા ખેંચી લીધા છે. વર્તમાન વર્ષના બજેટમાં કેપિટલ ગેઈન ટેકસમાં વધારો કરાયા બાદ વિદેશી રોકાણકારોની અવારનવાર વેચવાલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઊંચા મૂલ્યાંકનોનો પણ વિદેશી રોકાણકારો હાલમાં લાભ લઈ રહ્યા હોવાનું એનાલિસ્ટે ઉમેર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *