New Delhi,તા.29
પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024) આજે ભારતનો બીજો દિવસ ઘણા સારા સમાચાર લઈને આવ્યો હતો. ભારત માટે મહિલા એથ્લિટ્સે ઘણી મેચ જીતી હતી. ભારતને પહેલો મેડલ પણ મળ્યો હતો. ભારત માટે શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી વિવિધ હતી.
મનિકા બત્રાની ટેબલ ટેનિસમાં જીત
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ (Manika Batra) ગ્રેટ બ્રિટનની એન્ના હર્સી સામે રાઉન્ડ 64માં જીત નોંધાવી હતી. આ રાઉન્ડમાં તે 4-1 સાથે વિજેતા બની હતી.
નિખત ઝરીન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને (Nikhat Zareen) પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે રવિવારે જર્મનીની મેક્સી કરીના ક્લોત્ઝરને હરાવી હતી. 28 વર્ષીય નિખાતે નોર્થ પેરિસ એરેનામાં છેલ્લા 32 રાઉન્ડની મેચમાં જર્મન બોક્સર સામે 5-0થી જીત મેળવી હતી. ગુરુવારે રમાનારી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નિખતનો સામનો એશિયન ગેમ્સ અને વર્તમાન ફ્લાયવેટ વર્લ્ડ ચેમ્પિયન ચીનની વુ યુના સામે થશે. ટોચની ક્રમાંકિત વુ યુને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો.
અર્જુન બબૂતાનો વિજય
ભારતના અર્જુન બબૂતાએ (Arjun Babuta) 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેણે ક્વોલિફિકેશનમાં સાતમું સ્થાન મેળવીને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી હતી. અર્જુન બાબુતાએ કુલ 630.1 પોઈન્ટ મેળવ્યા. જો કે, અન્ય એક ભારતીય શૂટર સંદીપ સિંહ 629.3 પોઈન્ટ સાથે 12મા ક્રમે રહેવાના કારણે ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યો ન હતો.
શરથ કમલનો પરાજય
ભારતને એક ઝટકો પણ પેરિસ ઓલિમ્પિકમાં મળ્યો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતવા માટે દાવેદાર મનાતા 40માં ક્રમાંકિત ભારતના શરથ કમલનો (Sharath Kamal) મેન્સ સિંગલ્સમાં 126માં ક્રમાંકિત ડેની કોઝૂલ સામે 2-4થી પરાજય થયો હતો.