Jamnagar,તા.29
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવતાં ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના માંડવીમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે વડોદરા, દ્વારકા સહિત જામનગર જેવા શહેર જળમગ્ન બન્યા છે. જામનગરમાં હવે પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.
ગત ચાર દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં 47 ઇંચ કરતા પણ વધુ વરસાદ જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધ્રોલ તાલુકામાં 26 ઇંચ, કાલાવડ તાલુકામાં 46 ઈંચ, લાલપુર તાલુકામાં 37 ઇંચ વરસાદ નોંધાયો છે.
મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગત ચાર દિવસમાં વરસાદની આફતના લીધે ડેમમાં પાણી આવક થતાં ડેમના પાણી જામનગર શહેર તરફ વળ્યા હતા, જેના લીધે નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં મુશ્કેલી સર્જાઇ હતી. અનેક લોકોની ગાડીઓ, માલ-સામાન તણાઇ ગયો હતો. તો બીજી તરફ વીજપોલ તૂટી જતાં અંધારપટ છવાયો હતો.
જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાન વરસાદીપુરમાં તણાયો
જામનગરના બેડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાન તણાઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતાં સૌપ્રથમ પોલીસ તંત્ર દોડતું થયું હતું જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે પહોંચ્યા હતા, અને બાળકને શોધવા માટે ની સમીક્ષા કરી હતી.
પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ એસ.ડી.આર.એફ. ની ટીમ પણ લાપતા બનેલા યુવાનને શોધવા માં જોડાઈ હતી. જો કે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
ફોદારા ડેમ ઓવરફ્લો થતાં જામજોધપુરના તરસાઈ ગામે મધ્યરાત્રીના 74 લોકોનું રેસ્ક્યું
પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ પર 5.5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થવાથી પાણીનો જોરદાર પ્રવાહ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે મધ્યરાત્રીના સમય દરમિયાન ફરી વળ્યો હતો. આવા વિકટ સમયમાં ગામના રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા તરસાઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં, વાડી વિસ્તારમાં રહેતા અને બાજુના વાંસજાળીયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો મળીને કુલ 74 લોકોનું તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જામજોધપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને તરસાઈ કન્યા પ્રાથમિક શાળામાં સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ તમામ આશ્રિતો માટે ભોજન, નાસ્તા, કપડાં વગેરે સામાનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તેમજ તાલુકા પોલીસ તંત્ર તરફથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, પાણીની બોટલો, દવાઓ પણ આપવામાં આવી છે.
જામજોધપુરમાં રસ્તામાં પડી ગયેલા અનેક વૃક્ષોને હટાવાયા
સમગ્ર જામજોધપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડયો છે. તેથી છેવાડાના વિસ્તારના ગામો ખુબ પ્રભાવિત બન્યા છે. જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા તરસાઈથી હનુમાન ગઢ ગામના રસ્તા પર મધ્યરાત્રીના સમય દરમિયાન ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી બની ગયા હતા. ત્યારે જામજોધપુર તાલુકા પોલીસ તંત્રના ધ્યાનમાં આ વાત આવતા તાત્કાલિક ધોરણે વૃક્ષ હટાવીને માર્ગ પુનઃ શરુ કરવામાં આવ્યો હતો.