America :પુત્રને બંદુક ગિફ્ટમાં આપનારા પિતાની ધરપકડ કરવામાં આવી

Share:

જ્યોર્જિયા સ્ટેટમાં એક હાઈસ્કૂલમા બેફામ ફાયરિંગ થયું  હતું, જેમાં બે ટીચર અને બે સ્ટુડન્ટના મોત થયા હતા

Washington, તા.૬

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં એક હાઈસ્કૂલમાં થયેલા હત્યાકાંડમાં ચાર લોકોના મોત થયા તે ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. યુએસમાં ગન ક્રાઈમ અને માસ શૂટિંગ એ કોઈ નવી વાત નથી પરંતુ આ ઘટનામાં હત્યારા શકમંદના પિતાની ધરપકડ કરવામાં આવી છે. શકમંદ છોકરાની ઉંમર ૧૪ વર્ષ છે અને તેના પિતાએ જ તેને જન્મદિવસે ગન ગિફ્ટમાં આપી હતી તેવું જાણવા મળ્યું છે. તેના કારણે આ કેસમાં પોલીસે છોકરાના પિતાને પણ પકડ્યા છે.

ચોથી સપ્ટેમ્બરે જ્યોર્જિયામાં વિન્ડર ખાતે એપેલેચી હાઈસ્કૂલમાં એક છોકરાએ બેફામ ફાયરિંગ શરૂ કર્યું જેમાં બે ટીચર અને બે સ્ટુડન્ટના મોત થયા હતા. બીજા એક ડઝન લોકોને પણ ઈજા થઈ છે જેમાંથી અમુકને ગોળી વાગી છે અને અમુક લોકો નાસભાગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. હવે ૧૪ વર્ષીય છોકરાના પિતાને પકડવામાં આવ્યા છે અને તેની સામે સેકન્ડ ડિગ્રી મર્ડરનો આરોપ લાગ્યો છે. પોલીસે જણાવ્યું કે કોલિન ગ્રે નામના ૫૪ વર્ષીય પુરુષને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તેના પુત્ર સામે આરોપ છે કે ગનફાયર કરીને તેણે ચાર વ્યક્તિના મોત નિપજાવ્યા અને ઈજા પહોંચાડી છે.

પોલીસનું કહેવું છે કે પિતાએ પોતાના પુત્રને ગન અપાવી અને આ હત્યાકાંડ થયો. તેથી આ ઘટના સાથે તેના પિતાનો સીધો સંબંધ છે. જ્યોર્જિયામાં આ પ્રકારના સેકન્ડ ડિગ્રી મર્ડર માટે ૧૦ વર્ષથી લઈને ૩૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. પરંતુ ઈરાદા વગર કોઈની હત્યા થાય તો તેમાં એક વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની જેલ થઈ શકે.

આ કેસના મુખ્ય આરોપી છોકરાને હાલમાં યુથ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જ્યોર્જિયાના કાયદા પ્રમાણે તેણે જે ગુનો કર્યો છે તેમાં વધુમાં વધુ મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે, જોકે, તેની ઉંમરને ધ્યાનમાં લેતા ઓછી સજા થવાની શક્યતા છે. પોલીસને જાણવા મળ્યું છે કે આ છોકરો પહેલેથી શંકાના દાયરામાં હતો અને ૨૦૨૩માં પણ પિતા-પુત્રની પૂછપરછ કરવામાં આવી હતી. તે વખતે એફબીઆઈને માહિતી મળી હતી કે આ છોકરો પોતાની સ્કૂલમાં માસ શૂટિંગ કરવા માટે ઓનલાઈન ધમકીઓ આપી રહ્યો છે. એટલે કે આ છોકરાની વર્તણૂક પહેલેથી શંકાસ્પદ હતી છતાં તેના પર ઓથોરિટીનું ધ્યાન ન ગયું અને હવે તેણે હત્યાકાંડ કરી નાખ્યો છે.ગયા વર્ષે એફબીઆઈએ પૂછપરછ કરી ત્યારે છોકરાએ દાવો કર્યો હતો કે તેણે કોઈને ધમકી નથી આપી.

આ ઉપરાંત એજન્સીઓને પણ તેની સામે કોઈ નક્કર પૂરાવા મળ્યા ન હતા તેથી તેને જવા દેવાયો હતો. છોકરાના પિતાનું કહેવું છે કે તેના ઘરમાં શિકાર કરવા માટેની રાઈફલો છે પરંતુ તેમનો પુત્ર કોઈની દેખરેખ વગર ગનનો ઉપયોગ નથી કરતો. તેણે દાવો કર્યો કે હથિયાર રાખવાના કેવા પરિણામ આવી શકે તેના વિશે તેના પુત્રને બધી ખબર પડે છે. તેને એ પણ ખબર છે કે ગનનો કઈ રીતે ઉપયોગ કરાય અને કઈ રીતે ગન ન વાપરવી જોઈએ.

તપાસમાં જાણવા મળ્યું કે ટીનેજર છોકરાએ સેમી ઓટોમેટિક એસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હતો. તેણે કરેલા ગોળીબારમાં ચારલોકો માર્યા ગયા જેમાં બે છોકરાની ઉંમર ૧૪ વર્ષ હતી જ્યારે ૩૯ અને ૫૩ વર્ષના બે શિક્ષકો પણ માર્યા ગયા છે. આ ઉપરાંત નવ લોકોને પણ આ ઘટનામાં ઈજા થઈ છે પરંતુ તે ગંભીર નથી અને તેઓ રિકવર થઈ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *