Mumbai,તા.04
વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે. કેટલાક બેેન્કરો અંદાજમાં ઘટાડો કરી રહ્યા છે તો કેટલાક સાત ટકાથી પણ નીચા દર મૂકી રહ્યા છે. જો કે વર્લ્ડ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં નાણાં વર્ષ ૨૦૨૫ માટે ભારતનો જીડીપી અંદાજ સુધારી સાત ટકા મુકાયો છે.
વર્લ્ડ બેન્કે અગાઉ ૬.૬૦ ટકાનો અંદાજ મૂકયો હતો. ખાનગી ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટમાં મજબૂતાઈની અપેક્ષા વચ્ચે વર્લ્ડ બેન્ક ભારત માટેના પોતાના અંદાજમાં વધારો કર્યો છે.
અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા પણ અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી તે સાત ટકા મુકાયો હતો. ખાનગી ઉપભોગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઉપભોગમાં વધારો થવાની ધારણાં વચ્ચે આઈએમએફ દ્વારા અંદાજમાં વધારો કરાયો હતો.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા નીચો રહી ૬.૭૦ ટકા રહ્યો હતો. લોકસભાની ચૂંટણીને કારણે વિકાસ દર નીચો રહ્યાનું માનવામાં આવી રહ્યું છે.નાણાં વર્ષ ૨૦૨૫ માટે દેશનો જીડીપી અંદાજને નોમુરાએ જે અગાઉ ૬.૯૦ ટકા મૂકયો હતો તે સોમવારે ઘટાડી ૬.૭૦ ટકા કર્યો છે. આ અગાઉ ગોલ્ડમેન સાક્સ તથા જેપી મોર્ગને વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો જીડીપી અંદાજ ૬.૫૦ ટકા મૂકયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશનો આર્થિક વિકાસ દર ૭.૨૦ ટકા રહેવા ધારણાં મૂકી છે.