કેટલાક આદીવાસી વિસ્તારોમાં બજારો બંધ તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી
New Delhi,તા.૨૧
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા ૨૧ ઓગસ્ટે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધને પગલે એસસી એસટી એકતા મંચ અરવલ્લી જિલ્લા દ્વારા ભિલોડા બંધનું એલાન આપવામાં આવતાં તંત્ર એલર્ટ કરાયું છે.
આ બંધને સફળ બનાવવા જરૂરી પ્રચાર માટે તંત્ર દ્વારા મંજુરી પણ અપાઈ છે. ત્યારે આ બંધમાં પોલીસ, મેડિકલ અને ફાયર સહિતની ઈમરજન્સી સેવાઓને બાકાત રાખી અન્ય વેપાર ધંધા બંધ રાખી સહકાર આપવા મંચ દ્વારા અપીલ કરાઈ હતી.
ત્યારે ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વિજયનગર, ભિલોડા અને દાંતામાં સ્વયંભૂ બજારો બંધ જોવા મળ્યા હતા, જ્યારે અમુક આદીવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લી જોવા મળી હતી. ભારત બંધના એલાન ગુજરાતમાં મોટાભાગે આદીવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જીલ્લાઓ જોડાયા છે. ગુજરાતના હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી.
કેટલાક આદીવાસી વિસ્તારોમાં બજારોમાં બંધ જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. એકદંરે ગુજરાતમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ બંધના પોસ્ટર લગાવેલા જોવા મળી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભારત બંધના પગલે પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આદીવાસી જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ સતર્ક બની ગઇ છે.