West Bengal,તા,07
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કામગીરી ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, કાટમાળ નીચે ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે, ‘આ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખાણમાં કામ કરી રહેલા કામદારોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે.’
વાદુલિયા કોલસાની ખાણમાં વિસ્ફોટ
અહેવાલો અનુસાર,સોમવારે (સાતમી ઓક્ટોબર) બીરભૂમના વાદુલિયા કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં સાત શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે અને અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તાપાસ હાથ ધરી છે.