નમાજ પઢવાની ચાદર વડે સવારે સાડા ચાર વાગ્યાં આસપાસ મોત વ્હાલું કરી લીધું
Rajkot,તા.22
શહેરના ગોંડલ રોડ પર આવેલ સૌરાષ્ટ્રની એકમાત્ર બાળ અદાલત – ઝોનલ ઓબઝર્વેશન હોમમાં 16 વર્ષીય સગીરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આજે વહેલી સવારે નમાજ પઢવાની ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી એફએસએલને સાથે રાખી પંચનામા સહીતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ રોડ પર બાળ અદાલત અને ઝોનલ ઓબઝર્વેશન હોમમાં ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં જ્યુડીશિયલ કસ્ટડીમાં રહેલા 16 વર્ષ ત્રણ માસની ઉમર ધરાવતા સગીર પરવેઝ એશાન અલી નુરાનીએ વહેલી સવારે ચાર વાગ્યાં આસપાસ નમાજ પઢવાની ચાદર(મુસ્લ્લો) વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે અન્ય બાળ આરોપી જગ્યા બાદ તેમણે મૃતદેહ લટકતો જોઈ ઝોનલ ઓબઝર્વેશન હોમ તંત્રને જાણ કરી હતી. જે બાદ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસનો કાફલો તેમજ એસીપી બી જે ચૌધરી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને એફએસએલ ટીમને સાથે રાખી ઇન્કવેસ્ટ પંચનામું શરૂ કરવામાં આવ્યું હતું જયારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.