Adelaide,તા.11
ગુલાબી બોલ ટેસ્ટમાં 10 વિકેટની શરમજનક હાર બાદ ટીકાનો સામનો કરી રહેલાં ભારતીય ટીમે મંગળવારે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના નેતૃત્વમાં બેટ્સમેનોએ નેટ સેશન દરમિયાન લાલ બોલથી પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ માટે શનિવારે બ્રિસ્બેન માટે રવાનાં થયું હતું, ત્યારે ભારતીય ટીમે પોતાની ડિફેન્સિવ ટેકનિક અને બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો હતો. બીસીસીઆઈએ એક્સ પર એક વિડિઓ શેર કર્યો હતો અને લખ્યું હતું કે હવે ભુતકાળને બદલે આગળ શું થશે તે જોવાનો સમય છે. બ્રિસ્બેન ટેસ્ટની તૈયારી અહીં જ એડિલેડમાંથી શરૂ થાય છે.
ભારતીય ટીમ બુધવારે બ્રિસ્બેન પહોંચશે. રોહિતે છેલ્લી 12 ઇનિંગ્સમાં માત્ર 142 રન અને એક અડધ સદી ફટકારી હતી. પોતાનાં પુત્રના જન્મ બાદ ટીમમાં ફરી જોડાતાં રોહિત આઉટ ઓફ ફોર્મ છે અને સંઘર્ષ કરી રહ્યાં છે. તેણે ભારતીય સ્પિનરો અને ઝડપી બોલરો સામે નેટ સેશનમાં પોતાની લય હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુલાબી બોલની ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલાં રોહિતે ત્રણ અને છ રન બનાવ્યાં હતાં. પહેલાં તેઓ એક ફૂલર બોલ પર એલબીડબલ્યુ આઉટ થયાં હતાં. જ્યારે બીજી ઇનિંગ્સમાં રોહિત કેચ આઉટ થયાં હતાં.
વિરાટ કોહલીએ પણ નેટ સેશનમાં ખૂબ જ કાળજીપૂર્વક પ્રેક્ટિસ કરી હતી અને ધીમે ધીમે તેને લય મળી હતી. કેએલ રાહુલે વધુ સંયોજિત અભિગમ અપનાવ્યો અને તેની રક્ષણાત્મક તકનીક પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જ્યારે પંતે આક્રમક શોટ રમ્યાં હતાં. યશસ્વી જયસ્વાલ સૌથી વધુ આક્રમક લાગી રહ્યો હતો. તેણે ચપળ શોટ રમ્યાં અને ભારતીય બોલરો સામે ફોરવર્ડ શોટ પણ લીધાં હતાં. બોલરોમાં હર્ષિત રાણા, યશ દયાલ, આકાશદીપ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. કેટલાક થ્રો ડાઉન નિષ્ણાતો પણ હાજર હતાં. સીમ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે આરામ કર્યો હતો.