New Delhi,તા.3
કેન્દ્રીય બજેટમાં 12 લાખ સુધીની આવક ભલે કરમુક્ત કરી દેવામાં આવી હોય પરંતુ તે માત્ર વેતન જેવી આવકો પર જ લાગુ થશે. વેતન સિવાય શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડીલાભના સંજોગોમાં કરદાતાઓમાં તેના પર ટેકસ ચુકવવો પડશે.
બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કલમ 87 એ હેઠળ રિબેટનો લાભ માત્ર વેતનની આવક પર જ મળે. વેતન સિવાયના અન્ય મૂડીલાભ હોય તો તે કરપાત્ર બની જશે અને તે પેટે શોર્ટટર્મ અથવા લોન્ગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસના દર મુજબ કર ચુકવવો પડશે.
કોઈ કરદાતા શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા સંપતિ પર આવક મેળવે તો 20 ટકાના દરે શોર્ટ ટર્મ ગેઈન ટેકસ ચુકવવો પડશે અને લાંબાગાળાના સંજોગોમાં 12.5 ટકાના દરે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ ચુકવવો પડશે.
આ જ રીતે લોટરી, સટ્ટાબાજી અથવા ગેમ શો જેવી ખાસ શ્રેણીમાંથી પ્રાપ્ત વધારાની આવક પર 30 ટકા ટેકસ ચુકવવો પડશે. ફ્રીલાન્સીંગ વ્યવસાય અથવા પ્રોફેશનલ સર્વિસથી વધારાની આવક મેળવે તો તેના પર પણ આ વિશેષ નિયમ લાગુ પડશે અને સ્લેબના આધારે ટેકસ ભરવાપાત્ર થશે.
આ સંજોગોમાં કરદાતાની આવક 12 લાખથી ઓછી રહેવાના સંજોગોમાં પણ વધારાની આવક પર ટેકસ ચુકવવો પડશે.