Swapnil Kusal ભારતને અપાવ્યો બ્રોન્ઝ, પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં મળ્યો ત્રીજો મેડલ

Share:

Paris,તા.01

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ મેડલ પણ શૂટિંગમાં જ આવ્યો છે. ભારતના શૂટર સ્વપ્નિલ કુસાલે એ ભારતને આ મેડલ અપાવ્યો છે. ભારતના સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રના આ યુવાને દેશને અને તેના પરિવારને ગૌરવ અપાવ્યું છે.

સ્વપ્નિલનો પ્રથમ ઓલિમ્પિક અને જીત્યો મેડલ

સ્વપ્નિલનો આ પ્રથમ ઓલિમ્પિક છે જેમાં તેણે ભારતને મેડલ અપાવ્યો છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં ભારત પહેલી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું અને પહેલી જ ફાઇનલમાં મેડલ પણ જીત્યું છે. મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાlલેના કારણે ભારતને આ મેડલ મળી શક્યો છે. 3 પોઝિશન શૂટિંગમાં ત્રણ અલગ અલગ પ્રકારે શૂટિંગ કરવાનું હોય છે. સ્ટેન્ડિંગ એટલે કે ઊભા ઊભા, પ્રોન અને નીલિંગ એટલે કે ઘૂંટણીયે બેસીને આમ ત્રણ અલગ રીતે નિશાન સાધવાનું હોય છે.

સ્વપ્નિલ કુસાલે 451.4 સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ચીનનો લિયુ યુકુન 463.6ના સ્કોર સાથે પ્રથમ સ્થાને રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુક્રેનના સિરહી કુલીશે 461.3ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

આ ઇવેન્ટમાં પહેલી વખત મેડલ જીત્યું ભારત

આ અગાઉ ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અત્યાર સુધીના ભારતના ત્રણેય મેડલ શૂટિંગમાં જ આવ્યા છે. અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ મિક્સ ડબલ્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તમામ ઇવેન્ટમાં ભારતે પહેલી વહેલી વખત મેડલ જીત્યો છે.

પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠા દિવસે ભારતને મેડલ મળ્યો હતો. અગાઉ 5મો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો હતો. બેડમિન્ટનમાં ભારતના પી વી સિંધુ અને લક્ષ્ય સેન મેચ જીતીને રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યા હતા. ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા વિજેતા રહી હતી અને તે પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તો બીજી તરફ તીરંદાજીમાં દીપિકા કુમારી પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી ગઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *