Surendranagar, તા. ર0
વઢવાણ તાલુકાના મેમકા ગામમાં વાંટા વિસ્તાર સીમ તરીકે ઓળખાતી સીમમાં મેમકા માયનોર-1 કેનાલ ઓવરફ્લો થતાં તેના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. જેથી 2 ખેતરની 8 એકર જમીનમાં રહેલા રવિ પાકનું ધોવાણ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલના કારણે મોટી સંખ્યામાં ખેતરો સુધી પાણી પહોંચતા થતા આ કેનાલ આશીર્વાદરૂપ બની રહી છે. તો બીજી તરફ કેનાલના પાણી કેટલીકવાર ઓવરફલો થતાં ખેતરોમાં ફરી વળવાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલા પાકો ગુમાવવાનો વારો આવે છે. ત્યારે વઢવાણ તાલુકાના મેમકા ગામની સીમમાં વાંટા વિસ્તાર સીમ તરીકે ઓળખાતી સીમમાં મેમકા માયનોર-1 કેનાલ આવેલી છે. ત્યારે આ કેનાલનું પાણી ઓવરફ્લો થતાં બાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા.
આ અંગે વઢવાણ ઘરશાળા રોડ, શક્તિનગર સોસાયટીમાં રહેતા અરજણભાઈ એમ. જાદવે જણાવ્યું કે, આ કેનાલના કાંઠે અમારી સર્વે નં.666, 684 અને 673ની કુલ 4-41-98 ક્ષેત્રફળની ખેતીલાયક જમીન આવેલી છે. તે પૈકી સર્વે નં.666 જેનું માપ 1-31-55 અંદાજે 3 એકરમાં જીરાનું વાવેતર કરવામાં આવેલું હતું. આ ઉપરાંત સર્વે નં.-684 માપ 2-08-42 અંદાજે 5 એકરમાં અજમાના પાકનું વાવેતર કરાયું હતું. પરંતુ તા.16-1-2025ની સાંજે અંદાજે સાતેક વાગ્યાના સમયે આ કેનાલનું પાણી ઓવરફ્લો થવાથી બંને ખેતરમાં પાણી ફરી વળતાં પાકોનું ધોવાણ થઇ ગયું હતું. જીરું પાકવાની અણી પર હતો, હાથમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે.
3 એકર જીરૂ તથા 5 એકર અજમો બંને રવિ પાકો નામશેષ થઇ ગયા છે. પાણી ભરાઇ રહેવાથી જમીનનું પણ નુકસાન થયેલું છે. બેદરકારીને લીધે આમ બનવા પામ્યું છે. જેના પરિણામે ખેડૂતને આટલી બધી નુકસાની સહેવી પડી છે. ખેતરોમાં રહેલા જીરા તેમજ અજમો સહિતના રવિ પાકોને નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.