Surendranagar,તા.02
ભાજપ શાસિત સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૧૩ના ભાજપના સદ્દસ્ય જગદીશભાઈ પરમારે વોર્ડમાં ૮૫ લાખના ખર્ચે બનેલો સીસી રોડ ગણતરીના દિવસોમાં તૂટી ગયો હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. ભાજપના સદ્દસ્યએ કોન્ટ્રાકટરની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લીસ્ટમાં મુકવાની માંગ કરી હતી. નગરપાલિકામાં ભાજપના જ સદ્દસ્યએ વિરોધ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.૧૩માં અંદાજે ૨૦ વર્ષ બાદ પાલિકા તંત્ર દ્વારા અંદાજે ૮૫ લાખથી વધુના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે પરંતુ સીસી રોડ બન્યાના માત્ર થોડા દિવસો બાદ જ રોડ તુટી જતા અને ખાડાઓ પડતા આ વોર્ડમાંથી ચુંટાયેલ ભાજપના સદ્દસ્ય જગદીશભાઈ પરમારે બે દિવસ પહેલા પાલિકા તંત્રને સીસી રોડની કામગીરીમાં લેબ ટેસ્ટીંગ કર્યા વગર તેમજ પુરતી માત્રમાં સીમેન્ટ વાપર્યા વગર કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવી નાંખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ કરવાની માંગ કરી હતી. પરંતુ તેમ છતાંય કોય હકારાત્મક ઉકેલ ન આવતા ભાજપના સદ્દસ્યએ આત્મવિલોપનની ચીમકી સાથે પાલિકા તંત્રને લેખીત રજુઆત કરી છે અને આગામી ૧૫ દિવસમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી તેની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લીસ્ટમાં મુકવામાં નહિં આવે તો કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પાલિકાના સત્તાધીશો સહિત તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે ભાજપશાસીત પાલિકામાં ખુદ ભાજપના જ સદ્દસ્યના કામો થતાં નથી ત્યારે પ્રજાના કામો ક્યાંથી થાય ? સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે અને આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે.